તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
જામનગર જિલ્લાના ચૂંટણી તંત્રની સુચારુ વ્યવસ્થા ના કારણે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
જિલ્લા ના પોલીસ તંત્ર ના કડક પોલીસ બંદોબસ્તથી એકપણ અનિચ્છનીય ઘટના નહીં: રાજકોટ રેન્જના આઈ. જી. ની પણ જામનગરની વિશેષ મુલાકાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૭ : જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગની સુવ્યવસ્થિત કામગીરી અને કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતદારોમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી.
જામનગરના જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા ના સચોટ માર્ગદર્શન અને આયોજન હેઠળ ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ સુચારૂ રીતે પાર પાડવામાં આવી હતી. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, અને ચૂંટણી સ્ટાફ દ્વારા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ તહેનાતી સાથે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી, જેના કારણે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહી હતી.
વિશેષરૂપે, રાજકોટ રેન્જના આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા પણ મતદાન પ્રક્રિયા દરમિયાન જામનગરની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ખાસ કરીને વોર્ડ નંબર ૧૨ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત, મતદાન મથકો પર ગોઠવાયેલ સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાઓનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેમની હાજરી અને માર્ગદર્શનના કારણે મતદાન પ્રક્રિયા વધુ સુચારૂ અને નિર્વિઘ્ન રીતે પૂર્ણ થઈ હતી. જામનગરના જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા ખુદ ચૂંટણી વિભાગના કંટ્રોલરૂમમાં ઉપસ્થિત રહ્યા હતા, અને ચૂંટણી વિભાગ સાથે જોડાયેલા અન્ય અધિકારી અને ચુંટણી સ્ટાફ સાથે સતત મતદાનની પ્રક્રિયાનું મોનિટરિંગ કર્યું હતું, જેના કારણે મતદાનની પ્રક્રિયાઓ સરળ રહી હતી. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
