તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 23rd April 2026
કેશોદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર્વોત્સવઃ ઉમેદવારોએ જાહેર જનતા માટે ગાંઠિયા - ભજીયાના તવા ખુલ્લા મુકયા !
ચૂંટણી પ્રચાર માટે લોકોને એક સ્થળે એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારના નુસખા અજમાવતા ઉમેદવારો : પીઢ અને અનુભવી નેતા ની સ્ટાઈલ અપનાવતા નવોદિત ઉમેદવારોઃ જાહેર પ્રચાર દરમિયાન હરીફ ઉમેદવારો સામસામે મળે છે ત્યારે સર્જાય છે રસપ્રદ અને રમુજી દ્રશ્યોઃ ‘અમારો સમગ્ર પરિવાર તમારા સમર્થનમાં મતદાન કરશે' તેવી ખાતરી આપનાર શાણો મતદાર જ્યારે બીજા દિવસે હરીફ છાવણી મા ગાંઠીયા - ભજીયા આરોગ તો જોવા મળે છે ત્યારે અવઢવમાં મુકાઈ જતા ઉમેદવાર વિચારે છે કે, ખરેખર આ મતદાર કોનો....!??? જોકે આ સવાલનો જવાબ તો આગામી તારીખ ૨૮ ના રોજ જ મળશે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૨૩: સમગ્ર કેશોદ પંથકમાં મજબૂત લોકશાહી ના ઉત્સવ સમી સ્થાનિક સ્વરાજ્ય ના ચૂંટણી પર્વોત્સવ ની શાનદાર રીતે ઉજવણી થઈ રહેલ છે. આ તકે ઉમેદવારોએ જાહેર જનતા માટે ગાંઠીયા - ભજીયા ના તવા ખુલ્લા મૂકી ,અલ્પાહાર નો આસ્વાદ માણવાઉમેદવારો તથા કાર્યકરો લોકોને હૃદયના ભાવપૂર્વક આમંત્રિત કરી રહ્યા છે ! ચૂંટણી પ્રચાર માટે લોકોને એક સ્થળે એકત્રિત કરવા માટે ઉમેદવારો જુદા જુદા નુસખા અજમાવતા જોવા મળે છે.
આગામી તારીખ ૨૬ ને રવિવારના રોજ કેશોદ મતવિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા યોજાનાર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, તથા આમ આદમી પાર્ટી વચ્ચે સિધ્ધી સ્પર્ધા હોય, આ વિસ્તારમાં ત્રિપાંખિયો જંગ જામેલ છે.
વર્તમાન ચૂંટણી સાથે કેશોદ વિધાનસભા મતવિસ્તારને લાગ્યો વળગે છે ત્યાં સુધી સ્થાનિક નગરપાલિકાના નવ વોર્ડ ની કુલ ૩૫ બેઠક પરથી ૯૨ ઉમેદવારો, કેશોદ તાલુકા પંચાયત ની ૧૮ બેઠક પરથી ૫૮ અને કેશોદ મતવિસ્તારને લાગુ પડતી જુનાગઢ જિલ્લા પંચાયતની કુલ ૪ બેઠક પરથી ૧૩ મળી કુલ ૧૬૩ ઉમેદવારો કેશોદ વિધાનસભા મતવિસ્તાર માંથી ચૂંટણી લડી રહેલ છે.
આજે બુધવારના રોજ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા ને આડે માત્ર ત્રણ દિવસ બાકી રહેલ છે ત્યારે ચૂંટણી પ્રચારે ભારે રંગ પકડેલ છે. પ્રવર્તમાન ઉનાળાનો અસહ્ય તાપ અને ભારે ગરમીને નજર અંદાજ કરી રાત દિવસ જોયા વિના કરી ઉમેદવારો કાર્યકરો સાથે જાહેર માર્ગો પર ફરતા અને રૂબરૂ લોક સંપર્ક કરતા નજરે પડે છે. પ્રચાર કાર્ય પર નજર માંડી ને બેસેલા કેટલાક શ્ન ચૂંટણી રસીયાઓ શ્ન એ શેર કરેલ કેટલીક રસપ્રદ વાતો મુજબ જન સંપર્ક યાત્રા દરમિયાન કયારેક તો મત માગવા જતા ઉમેદવારોને કેટલાક લોકો અકલ્પનીય એવા અવનવા પ્રશ્નો પૂછી ઉમેદવારોને ભિડવતા જોવા મળે છે, આ સ્થિતિ વચ્ચે મૂંઝાયેલ ઉમેદવારે સવાલનો જવાબ આપ્યા વગર ત્યાંથી ભાગવું પણ ભારે પડે છે !
આ પ્રવર્તમાન ચૂંટણી સ્થાનક કક્ષાની હોય દરરોજ સાથે બેસતા બે મિત્રો પણ જુદી જુદી પાર્ટી ના બેનર હેઠળ એકબીજાના કટ્ટર હરીફ બની ચૂંટણી લડતા હોવાના પણ ઉદાહરણો જોવા મળેલ છે કયારેક ચૂંટણી પ્રચાર દરમિયાન હરીફ ઉમેદવારો સામસામે મળી જાય છે ત્યારે રમુજ સાથે અવનવા દ્રશ્યો સર્જાતા જોવા મળે છે.
કયારેક હરિફ ઉમેદવારો તથા તેમના સમર્થકો સામસામા મળી જાય છે ત્યારે બંને પાર્ટી ના ઉમેદવારો અને સમર્થકો એકબીજાને ઓળખતા હોય ખેલદિલી પૂર્વક એકબીજા સામે સ્મિત આપી ને આગળ વધે છે. તો કયારેક જાણે કે સાત જન્મની દુશ્મની હોય તેમ એકબીજા સામે જોયા વગર જ હરીફ ઉમેદવારો બાજુમાંથી પસાર થઈ જતા જોવા મળે છે. કેટલાક કિસ્સામાં પોતાની ટીમ સાથે હરીફો અચાનક સામ સામે મળી જાય છે ત્યારે બંને પાર્ટીના સમર્થકો પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણમાં રમુજ સાથે ગરમાવો લાવી દેતા જોવા મળે છે !
નવોદિત ઉમેદવારો પણ પીઢ અને અનુભવી નેતાઓ ની જેમ જ અદ્દલ આગવી સ્ટાઇલ મા વર્તન કરી રહ્યા હોવાનું છે. પ્રચાર કાર્ય પર નજર માંડીને બેઠેલા ‘‘ચૂંટણી રસિયાઓ'' આ અંગે રસપ્રદ વાત કરતા કહે છે કે, મતદારો ના દીલ જીતવા લોક સંપર્ક દરમિયાન અગ્રણી નેતા ની જેમ કેટલાક નવોદિત ઉમેદવારો પણ મતદાર ના ખંભે હાથ રાખી , ખબર અંતર પૂછી ઔપચારિક રીતે આત્મીયતા દાખવતા હોવાનું જોવા મળે છે!
છેલ્લા કેટલાક વર્ષો થી ચૂંટણીઓ દરમિયાન રાજકીય પાર્ટી તથા ઉમેદવારો દ્વારા ‘‘તાવા પાર્ટી'' ની પરંપરા શરૂ થયેલ છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે લોકોને ભેગા કરવા માટે રાત્રિના સમયે ચૂંટણી કાર્યાલય ઉપર રીતસર ના ગાંઠીયા - ભજીયા ના તાવડા શરૂં કરવામાં આવે છે. અને અલ્પાહાર નો આસ્વાદ માણવા પધારવા ઉમેદવારો દ્વારા જાહેર જનતાને આમંત્રણ પણ આપવામાં આવે છે, અને લોકો પણ આમંત્રણ ને સહર્ષ સ્વીકારી સમયસર સ્થળ પર પહોંચી જાય છે ! આ સ્થિતિ વચ્ચે દરરોજ અવનવી વાનગીઓની મિજબાની માણવા જે પાર્ટીની છાવરણી પર સૌથી વધુ લોકો એકત્રિત થાય તે ઉમેદવારને સક્ષમ માનવામાં આવે છે !
ઉમેદવારો દ્વારા લગભગ દરરોજ પોતાના મતવિસ્તારના વોર્ડ ના જુદા જુદા એરિયામાં રાત્રિના ગ્રુપ મીટીંગ ના બહાને સ્થળ પર મતદારોને બોલાવવામાં આવે છે અને નાસ્તા પાર્ટીનું આયોજન કરવામાં આવે છે
જ્યાં સમર્થકો દ્વારા ઉમેદવાર નો પરિચય આપી તેમના વ્યક્તિત્વ ના તથા તેમની કામગીરીના ગુણગાણ ગઈ, અંતે વિકાસલક્ષી કામોના જુદા જુદા વચનોની ભરમાર વચ્ચે,મત આપવાની ની અપીલ બાદ સૌ છૂટા પડે છે. બીજા દિવસે બીજી પાર્ટીના ઉમેદવાર પણ એજ સ્થળે ગ્રુપ મિટિંગનો સિલસિલો ચાલુ રાખે છે, અને ત્યારે એ જ શાણા મતદારો ત્યાં પણ હોંશે હોંશે ચા પાણી નાસ્તાની મોજ મજા માણતા જોવા મળે છે !
આમ જાહેર માર્ગો પર તથા ડોર ટુ ડોર લોક સંપર્ક ઉપરાંત લોકોને આકર્ષવા માટે તાવા પાર્ટી જેવા નુસ્ખા વચ્ચે ઉમેદવારો પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લોકો પણ દરરોજ જુદી જુદી રાજકીય પાર્ટીની છાવણી ની મુલાકાત લઇ ગાંઠીયા, ભજીયા, પાઉંભાજી જેવી વાનગીઓ નો ભરપેટ લાભ લઈ રહ્યા છે. કારણકે શાણો મતદાર સમજે છે કે માત્ર આજે જ તક છે બાદમાં પાંચ વર્ષ સુધી કોઈ ભાવ પૂછવાનું નથી!
‘‘અમારો સમગ્ર પરિવાર તમારા સમર્થનમાં જ રહેશે'' તેવી ખાત્રી આપનાર શાણો મતદાર બીજા દિવસે હરીફ પાર્ટીની છાવણી મા ગાંઠીયા -ભજીયા આરોગતો જોવા મળતા ખુદ ઉમેદવાર અવઢવ મા મુકાઈ જાય છે અને મનમાં વિચારે છે કે, ખરેખર આ મતદાર કોનો.....!??? જોકે આ સવાલનો જવાબ તો આગામી તારીખ ૨૮ ના રોજ પરિણામો જાહેર થશે ત્યારે જ મળશે
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
