<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

જામજોધપુરમાં વરસાદી પાણીના પ્રવાહમાં ફસાયેલા બે બાળકોનો સ્‍થાનિકોએ કર્યો બચાવ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, મુશળધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્‍થિતિ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં બે બાળકો ફસાઈ જતાં ચકચાર મચી હતી. જોકે સ્‍થાનિક લોકોએ સમયસર દોડી જઈ બંને બાળકોનો સુરક્ષિત બચાવ કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્‍યું છે.

મળતી માહિતી મુજબ, જામજોધપુરના ખરાવાડ વિસ્‍તારમાં બપોર બાદ પડેલા મુશળધાર વરસાદને કારણે નદી જેવી સ્‍થિતિ સર્જાઈ હતી અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્‍યો હતો. આ દરમિયાન બે બાળકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્‍થાનિકોએ તાત્‍કાલિક બચાવ કામગીરી હાથ ધરી બાળકોને સલામત બહાર કાઢયા હતા.

ભારે વરસાદના કારણે જામજોધપુર પંથકની અનેક શેરીઓ અને ગલીઓમાં પાણીના ધસમસતા પ્રવાહો જોવા મળ્‍યા હતા. કેટલાક વિસ્‍તારોમાં જળબંબાકાર જેવી સ્‍થિતિ સર્જાતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

બાળકોના બચાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો સ્‍થાનિકોની સતર્કતા તથા માનવતાભર્યા પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે. 

(12:26 PM IST)