News of Friday, 27th November 2026
તાલાલા પંથકમાં એક પછી એક ભૂકંપના 2 આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
બપોરે 3:30 કલાકે 2.3 ની તીવ્રતાનો પ્રથમ અને 3:32 કલાકે 2.2 ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો:કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં :ધાવા, માધુપુર, આંકોલવાડી અને સુરવા સહિતના ગામોમાં આંચકા અનુભવાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બપોરના સમયે એક પછી એક ભૂકંપના 2 આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક આવેલી ધ્રુજારીને પગલે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, તાલાલા વિસ્તારમાં બપોરે માત્ર 2 મિનિટના ટૂંકા સમયગાળામાં જ બે વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. પ્રથમ આંચકો બપોરે 3:30 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.3 નોંધવામાં આવી હતી. હજુ લોકો આ પ્રથમ આંચકાના ભયમાંથી બહાર આવે તે પહેલા જ બપોરે 3:32 કલાકે 2.2 ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. એકસાથે બે આંચકા આવવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ હતી.
ભૂકંપના આ બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં હોવાનું જાણવા મળ્યું છે. તાલાલા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ હતી. ખાસ કરીને ધાવા, માધુપુર, આંકોલવાડી અને સુરવા સહિતના ગામોમાં લોકોએ સ્પષ્ટપણે ધ્રુજારી અનુભવી હતી. જોકે, આંચકાની તીવ્રતા ઓછી હોવાથી હાલ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાને પગલે પંથકના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
