<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ગોહિલવાડના ગૌરવ અને કલ્પસર યોજનાના સક્રિય માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો લોકભારતી સણોસરા ખાતે યોજાશે ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ

કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને આગામી શુક્રવારે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યભરના નામાંકિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

ઈશ્વરિયા:વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનાર મહત્વકાંક્ષી કલ્પસર યોજનાના સક્રિય વિચારક અને અગ્રણી માર્ગદર્શક તેમજ ભાવનગર પંથકનું ગૌરવ ગણાતા વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ ગરિમામય સન્માન સમારોહ આગામી શુક્રવાર, તારીખ ૧૭ જુલાઈના રોજ સવારે ૧૦:૦૦ કલાકે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે.

 

 મહાનુભાવોના હસ્તે થશે દીપ પ્રાગટ્ય:

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ વિશેષ કાર્યક્રમનો પ્રારંભ મંગલ દીપ પ્રાગટ્યથી થશે. આ પ્રસંગે ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ જીવરાજભાઈ સુરાણી (ધારુકાવાળા) અને લોકભારતીના વડા તેમજ જાણીતા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહીને પોતાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરશે.

 

 રાજ્યભરના સામાજિક અને રાજકીય અગ્રણીઓ આપશે હાજરી:

આ અભિનવ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ભૂતપૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, કલ્પસર સહયોગ સમિતિના સહસંયોજક કમલનયનભાઈ સોજીત્રા, ગીરગંગા પરિવારના વડા દિલીપભાઈ સખિયા તેમજ અગ્રણી સામાજિક કાર્યકર અનુભાઈ તેજાણી ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. ગોહિલવાડના આ પનોતા પુત્રના સન્માનના અવસરે મોટી સંખ્યામાં ભાવિકો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહેશે.

 

આ સમગ્ર ગરિમાપૂર્ણ સમારોહના સફળ સંકલન અને સુચારૂ આયોજન માટે લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારિ અને કલ્પસર સમિતિના સંયોજક પરષોત્તમભાઈ કમાણી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(7:16 PM IST)