<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપે ડીઝલ માટે લાગી વાહનોની લાં...બી કતારો : જુઓ વિડિયો

વાવણીની સિઝનને લઈ ખેડૂતો કેરબા-ડબ્બા લઈ ઉમટી પડ્યા, ટ્રેક્ટર અને ખેત ઓજારો માટે ડીઝલની માંગ વધી

ગોંડલ તા.૨૧

ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ ખાતે આજે ડીઝલ લેવા માટે વાહનોની મોટી કતારો જોવા મળી હતી. વાવણીની સિઝન શરૂ થતા ગોંડલ તાલુકાના વાડી-ખેતર વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ડીઝલ લેવા ઉમટી પડ્યા હતા.

 

ખેતીકાર્ય માટે વપરાતા ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેસર સહિતના ખેત ઓજારો અને સાધનોમાં ડીઝલનો વપરાશ વધી જતા ખેડૂતો કેરબા, ડબ્બા અને ડ્રમ લઈને પેટ્રોલ પંપે પહોંચ્યા હતા. સવારથી જ ડીઝલ લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી, જેને કારણે પંપ પર ભારે ધસારો જોવા મળ્યો હતો.

 

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખરીફ પાકની વાવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જમીન ખેડવા, વાવણી કરવા અને અન્ય ખેતીકાર્યો માટે ટ્રેક્ટરનો સતત ઉપયોગ થતો હોવાથી ડીઝલની માંગમાં એકાએક વધારો થયો છે. વાવણી સમયસર થાય તે માટે ખેડૂતો અગાઉથી જ ડીઝલનો જથ્થો ભરી લેવા માંગતા હોવાથી પંપ પર ભીડ જામી હતી.

 

પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું કે વાવણીની સિઝનને કારણે ડીઝલની માંગ સામાન્ય દિવસો કરતા બમણી થઈ ગઈ છે. ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:08 PM IST)