News of Saturday, 10th October 2026
જાફરાબાદના દરિયામાં કરોડોની ઘોલ માછલીની લૂંટઃ દમણની ત્રણ બોટ પર આરોપ
ભાણાભાઈ બારૈયાની 'રૂપારેલ-૨ ઉર્ફે શ્રી રામ' બોટને મળી હતી કિંમતી ઘોલ, સિસ્ટમથી જાણ થતા દમણ બોટ ધારકોએ જાળ સહિત લૂંટી લીધીઃ વિડીયો ડિલીટ કરાવી ફરાર થયાનો આક્ષેપઃ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તપાસના આપ્યા આદેશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૦: અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં આશરે ૬૫ નોટિકલ માઈલ દૂર દરિયાની વચ્ચે કરોડો રૂપિયાની કિંમતી ઘોલ માછલીની લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જાફરાબાદના બોટ માલિક ભાણાભાઈ ધીરુભાઈ બારૈયાની 'રૂપારેલ-૨ ઉર્ફે શ્રી રામ' નામની બોટના ૭ ખલાસીઓ દરિયામાં માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની જાળમાં અત્યંત કિંમતી ગણાતી ઘોલ માછલી આવી હતી. ઘોલ માછલી તેના ઔષધીય ગુણો અને વિદેશમાં ઊંચી માંગને કારણે કરોડો રૂપિયામાં વેચાય છે અને તે નસીબદારને જ મળે છે.બોટ માલિક ભાણાભાઈ બારૈયાએ જણાવ્યું કે, અમારી બોટમાં ઘોલ માછલી આવતા જ દમણની ત્રણ બોટમાં લાગેલી આધુનિક કેમેરા અને સિસ્ટમથી તેઓને ખબર પડી ગઈ હતી. ત્યારબાદ દમણની બોટ ધારકોએ અમારી બોટ પર આવીને કિંમતી માછલી સહિત અમારી જાળ પણ લૂંટી લીધી હતી. અમારા ખલાસીએ મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો, પરંતુ સામા પક્ષે ખલાસી પાસેથી મોબાઈલ લઈને વિડીયો ડિલીટ કરીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના અંગે જાફરાબાદ મરીન પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ લૂંટાયેલી માછલીનો જથ્થો અને તેની કિંમત અંગે તપાસ કરી રહી છે.
આ મામલે જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘોલ માછલી ખુબ જ કિંમતી કહેવાય છે. દરિયામાં જેના નસીબમાં હોય તેને જ મળતી હોય છે. આ લૂંટની ઘટના અંગે મરીન પોલીસને જાણ કરીને તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
