<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

પ્રેમ, લાગણી અને માનવતાને તાલે ગૂંજ્યું ‘માનવજ્યોતનું આંગણું

દિવ્યાંગ ભાઈ બહેનો સાથે વિવિધ મહિલા મંડળોની બહેનોએ બોલાવી રાસ-ગરબાની રમઝટ, લાગણીસભર વાતાવરણથી નવરાત્રિ પર્વ બન્યું યાદગાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  નવરાત્રિ એટલે શક્તિની આરાધના, ભક્તિનો ઉત્સવ અને આનંદના રંગે રંગાઈ જવાનો અવસર. પરંતુ જ્યારે આ ઉત્સવમાં પ્રેમ, લાગણી અને માનવતાના રંગો ભળે ત્યારે તેની ખુશી કંઈક વિશેષ બની જાય છે. આવો જ લાગણીસભર માહોલ પાલારા-કચ્છ સ્થિત સેવાશ્રમોમાં જોવા મળી રહ્યો છે, જ્યાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો પણ નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ ઉત્સાહભેર ગરબે ઘૂમી નવરાત્રિ પર્વની ખુશીઓ માણી રહ્યાં છે.

માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ તથા શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો, પાલારા-કચ્છ ખાતે નવરાત્રિની અનોખી ઉજવણી થઈ રહી છે. દરરોજ સાંજે ૫થી ૭ વાગ્યા દરમિયાન યોજાતા રાસ-ગરબામાં ભાઈ-બહેનોના ચહેરા પરની ખુશી, ગરબાના તાલે ઝૂમતાં પગલાં અને સૌના સાથ-સહકારથી સમગ્ર વાતાવરણ આનંદમય બની જાય છે.

*ગરબાના તાલે ગુંજ્યું લાગણીનું સંગીત*

આ ઉજવણીની વિશેષતા એ છે કે વિવિધ મહિલા મંડળોની બહેનો સેવાશ્રમમાં આવી માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને પોતાની સાથે ગરબે રમાડે છે. અહીં કોઈ ભેદભાવ નથી, કોઈ અંતર નથી; છે તો માત્ર આત્મીયતા, હૂંફ અને એકબીજાની ખુશીમાં સહભાગી બનવાની ભાવના. મહિલા મંડળોની બહેનોનો આ સ્નેહભર્યો સાથ સેવાશ્રમના ભાઈ-બહેનો માટે નવરાત્રિને વધુ આનંદદાયક અને યાદગાર બનાવી રહ્યો છે.

આ પ્રસંગે રઘુવંશી મહિલા મંડળ-રઘુવંશીનગર, નારીશક્તિ મહિલા મંડળ-માધાપર, જલારામ સત્સંગ મંડળ-માધાપર, ક્રિશિવ ફાઉન્ડેશન-ભુજ, પ્રેરણા મહિલા મંડળ-ભુજ, પિંગલેશ્વર પૂનમ ગ્રુપ, સર્વોદય મહિલા મંડળ, શ્રી મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, પરજીયા બ્રહ્મ સમાજ મહિલા મંડળ સહિત વિવિધ મહિલા મંડળોની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

*સેવા સાથે સંવેદનાનો સુંદર સમન્વય*

આ આયોજનની વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી તથા સહદેવસિંહ જાડેજા સંભાળી રહ્યા છે.

પાલારા સેવાશ્રમમાં યોજાતી આ નવરાત્રિની ઉજવણી માત્ર રાસ-ગરબા પૂરતી સીમિત નથી, પરંતુ દરેક વ્યક્તિને પ્રેમ, સન્માન અને સહભાગિતાનો અનુભવ કરાવતી માનવતાની સુંદર અભિવ્યક્તિ છે. ઉત્સવની સાચી સાર્થકતા ત્યારે જ છે, જ્યારે તેની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. અહીં ગરબાના દરેક તાલ સાથે જાણે એવો જ સંદેશ ગુંજી રહ્યો છે કે સાચો ઉત્સવ એ છે, જેમાં કોઈ એકલું ન રહે અને સૌના ચહેરા પર ખુશીનું સ્મિત ખીલી ઊઠે.

(9:45 AM IST)