તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મોરબીમાં મચ્છુને કાંઠે નવનિર્મિત BAPS મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ.
પૂ.મહંત સ્વામીનું આગમન : અગ્રણીઓ, હરિભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું: પૂ.મહંત સ્વામી 15 દિવસ રોકાશે : 25 ઓક્ટોબરે તેમના હસ્તે નવનિર્મિત શિખરબદ્ધ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વિધિ થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં નવનિર્મિત શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે દશેરાના પવિત્ર દિવસે સવારે ૯:૩૦ કલાકે મંદિરના પ્રેરણામૂર્તિ પૂ. મહંતસ્વામી મહારાજનું મોરબીના આંગણે શુભ આગમન થયું હતું. આ પ્રસંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, મહાનુભાવો અને હજારો હરિભક્તો દ્વારા તેઓનું અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂ.મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા માટે મંદિરના પ્રવેશદ્વારથી મંદિર સુધી સમગ્ર પથને ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓની કમાનોથી સુશોભિત ગેટ અને નીચે કાર્પેટ પર વિવિધ રંગો તથા પુષ્પોથી કંડારાયેલી નયનરમ્ય રંગોળીએ સૌમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ પાવન પ્રસંગે પ.પૂ.મહંતસ્વામી મહારાજે મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના લોગોને ફુગ્ગાઓ દ્વારા ગગનવિહાર કરાવ્યો હતો, અને સાથે જ પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ પણ રંગબેરંગી ફુગ્ગાઓ ગગનગામી કરીને સ્વામીને હર્ષભેર આવકાર્યા હતા. પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ભાવભર્યું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, બરાબર ૭ વર્ષ, ૪ મહિના, ર દિવસ અને ૧૭કલાક બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ફરી એકવાર મોરબીની ધરાને પાવન કરવા અને લાભ આપવા પધાર્યા છે. આ તકે પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ પૂ.મહંતસ્વામી મહારાજનું પુષ્પહારથી ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. દશેરાના પર્વ નિમિત્તે પૂ.સ્વામીએ તમામ ભક્તો માટે ફાફડા-જલેબી પ્રસાદીભૂત કર્યા હતા.
મોરબીની ભૂમિ પર ભગવાન સ્વામિનારાયણે પોતાની પદરજથી પરમશાંતિની જ્યોત જગાવી હતી. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૧ વાર અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ર વાર પધરામણીઓ તથા પારાયણો કરીને અહીં સત્સંગ મંડળનો મંગલ પ્રારંભ કર્યો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ૧૦ વાર મોરબીમાં પધરામણી કરી હતી અને મચ્છુ હોનારત બાદ રેલરાહત કરીને અદભુત સેવાયજ્ઞ પ્રગટાવ્યો હતો. એ જ પરંપરામાં ૧ર જૂન, ૨૦૧૯માં પૂ.મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા મોરબીમાં નુતન શિખરબધ્ધ મંદિરનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી.
નિર્માણ પામી ચૂકેલ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે પ.પૂ.મહંતસ્વામી મહારાજનું આગમન થયું હતું.
મોરબીના ભવ્ય નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેવુ છે? મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવથી લઈને મંદિરની અદ્ભુત વિશેષતાઓ વિશે માહિતી આપતા ડો. અશ્વિનભાઇ બરાસરા.
23 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી કાર્યક્રમોની વણઝાર: 500 સંતો અને 4000 જેટલા સ્વયં સેવકો ઉપસ્થિત રહેશે
24 ઓક્ટોબરે સાંજે ઠાકોરજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા: 25 ઓક્ટોબરે મહંત સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે.
મોરબીના ઝૂલતા પુલ પાસે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. BAPS સ્વામિનારાયણ મંદિરના PR વિભાગમાં કાર્યરત ડૉ. અશ્વિન બરાસરાએ પાયાની ઈતિહાસથી લઈને મંદિરના બાંધકામ અને મહોત્સવના આયોજન સુધીની તમામ ઝીણવટભરી માહિતી આપી હતી.
ડૉ. અશ્વિન બરાસરાએ હર્ષભેર જણાવ્યું કે, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે BAPS સંસ્થાના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મોરબીની 'મયુર નગરી'માં આગમન થઈ ચૂક્યું છે. મોરબીના નામાંકિત ઉદ્યોગપતિઓએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યું છે.
મંદિર નિર્માણનો ઇતિહાસ: 2001 થી 2026 સુધીની સફર
વર્ષ 2001માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે આ જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજના હસ્તે આ મંદિરનો શિલાન્યાસ થયો હતો. 7 વર્ષની સઘન કામગીરી બાદ હવે 2026ની શરદ પૂર્ણિમાના (25 ઓક્ટોબર) પવિત્ર દિવસે મહંત સ્વામી મહારાજના હસ્તે જ આ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.
મંદિરની વિશેષતાઓ.
આ મંદિર રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી અને લાલ પથ્થરોમાંથી હજારો કુશળ કારીગરો દ્વારા નિર્માણ પામ્યું છે.
કુલ વિસ્તાર: મંદિરની કુલ જમીન 21 એકર છે, જેમાંથી 8 એકરમાં મંદિરનું કેમ્પસ પથરાયેલું છે.
માપ: મંદિરની લંબાઈ 203 ફૂટ, પહોળાઈ 130 ફૂટ અને ઊંચાઈ 83 ફૂટ છે.
પથ્થર અને મૂર્તિઓ: આ મંદિરમાં 75,000 ઘનફૂટ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ થયો છે. સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતી 1007 જેટલી કોતરણી કરેલી મૂર્તિઓ મંદિરમાં કંડારવામાં આવી છે.
1500 ચોરસ ફૂટમાં મંદિર નીચે પોડિયમ અને કુલ 2,37,100 ચોરસ ફૂટ નિર્માણ ક્ષેત્ર છે.
માણકી ઘોડી: મંદિરની બરાબર સામે ભગવાન સ્વામિનારાયણની પ્રિય 'માણકી ઘોડી'ની મૂર્તિ છે, જેની ઊંચાઈ 18 ફૂટ, પહોળાઈ 5 ફૂટ અને લંબાઈ 12 ફૂટ છે.
સત્સંગ હોલ: મંદિરમાં પિલર-લેસ (થાંભલા વગરનો) વિશાળ કૂલિંગ સત્સંગ હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં એકસાથે 5000 હરિભક્તો બેસી શકે છે. આ ઉપરાંત પ્રેમવતી, ગેસ્ટ હાઉસ, બાળ-યુવા પ્રવૃત્તિના કેન્દ્રો પણ શરૂ કરાયા છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા
23 ઓક્ટોબર: સવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને સાંજે વિશેષ અભિવાદન સમારોહ.
24 ઓક્ટોબર: સવારે મહાયજ્ઞનો બીજો ભાગ. સાંજે ઠાકોરજીની ભવ્ય નગરયાત્રા નીકળશે. આ રથયાત્રા રામેશ્વર પાર્ટી પ્લોટથી શરૂ થઈ કેપિટલ માર્કેટ, બાપા સીતારામ ચોક, નેહરુ ગેટ, મહાનગરપાલિકા, શક્તિ ચોક ગરબી મંડળ થઈને બેઠા પુલ નીચેથી મંદિરે પહોંચશે. જેમાં 3 થી 4 હજાર સ્વયંસેવકો અને નગરજનો જોડાશે. આ યાત્રામાં નાસિક ઢોલ, આદિવાસી નૃત્યો અને ભૂંગળ વિશેષ આકર્ષણ જમાવશે.
25 ઓક્ટોબર (શરદ પૂર્ણિમા): સવારે મહંત સ્વામી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. કુલ 4 મુખ્ય ગર્ભગૃહ સહિત 17 ગર્ભગૃહમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, શિવ પરિવાર, રામ પરિવાર, ગણપતિજી, હનુમાનજી, ગુરુ પરંપરા અને અભિષેક માટે નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ સ્થાપિત કરાશે.
28 ઓક્ટોબર થી 2 નવેમ્બર: દરરોજ સવારે 6 થી 8 પ્રાતઃ સભા અને સાંજે 5 થી 8 સાયં સભાનું આયોજન છે, જેમાં સંતોના પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ મળશે.
2 નવેમ્બર: સાંજે ભવ્ય અને દિવ્ય મહિલા સંમેલન યોજાશે.
500 થી વધુ સંતો અને 4000 સ્વયંસેવકોની ફોજ.
ડૉ. બરાસરાએ વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ ઉત્સવમાં સેવા આપવા માટે નાના બાળકોથી લઈને 70 વર્ષના વડીલો સુધીના 4000 થી વધુ સ્વયંસેવકો ખડેપગે છે. આ સ્વયંસેવકોને રસોડા, પાર્કિંગ, મેડિકલ, સુરક્ષા, પ્રેસ વગેરે જેવા 42 થી વધુ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. માત્ર રસોડા વિભાગમાં જ 1000 થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત, ભારત અને વિદેશથી 500 થી વધુ સંતો મોરબીના આંગણે પધાર્યા છે.
2 નવેમ્બર: સાંજે ભવ્ય અને દિવ્ય મહિલા સંમેલન યોજાશે.
500 થી વધુ સંતો અને 4000 સ્વયંસેવકોની ફોજ
ડૉ. બરાસરાએ વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ ઉત્સવમાં સેવા આપવા માટે નાના બાળકોથી લઈને 70 વર્ષના વડીલો સુધીના 4000 થી વધુ સ્વયંસેવકો ખડેપગે છે. આ સ્વયંસેવકોને રસોડા, પાર્કિંગ, મેડિકલ, સુરક્ષા, પ્રેસ વગેરે જેવા 42 થી વધુ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. માત્ર રસોડા વિભાગમાં જ 1000 થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત, ભારત અને વિદેશથી 500 થી વધુ સંતો મોરબીના આંગણે પધાર્યા છે.
સમગ્ર મોરબીની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યુ.
અંતમાં ડૉ. અશ્વિન બરાસરાએ જણાવ્યું કે, BAPS સંસ્થા પૂરા વિશ્વમાં સેવાકાર્યો કરે છે. તાજેતરમાં રાજકોટમાં અપૂર્વમુનિ સ્વામી દ્વારા 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ યોજાયો હતો. ત્યારે તેમણે મોરબીના તમામ નગરજનોને અપીલ કરી કે, 23, 24 અને 25 ઓક્ટોબરના રોજ કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે આવીને દર્શન, મહાયજ્ઞ અને ભોજન પ્રસાદનો (બપોરે અને સાંજે) લાભ લઈ શકે છે
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
