<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સાવરકુંડલામાં સોમવારે મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજીની પધરામણી

નવમાં નોરતે વિવિધ મંડળો દ્વારા સર્જિત દિવ્‍ય મૂર્તિઓના દર્શન રાસ-ગરબા નિહાળી ધર્મપ્રેમી ભક્‍તોને આશીર્વચન પાઠવશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૭: નવરાત્રિ પર્વના પાવન અવસરે સાવરકુંડલાના વિવિધ મંડળો, ગ્રુપો તથા સેવક સમુદાયને આશીર્વચન પાઠવવા શ્રીપંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્‍ટ્રીય મહામંડલેશ્વર પરમ પૂજ્‍ય ૧૦૦૮ જયઅંબાનંદગીરી માતાજી, હિંગળાજ સંન્‍યાસ આશ્રમ રાજસ્‍થળી ગીર આગામી સોમવાર તારિખ ૧૯/૧૦ નવમાં નોરતાના પવિત્ર દિવસે રાત્રે ૧૦ કલાકે સાવરકુંડલા પધારશે.

સાવરકુંડલા ખાતે આગામી સોમવારે મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી સાવરકુંડલા શહેરમાં વિવિધ મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલી દિવ્‍ય મૂર્તિઓનાં દર્શન કરશે. જેમાં જયશ્રી ટોકીઝ પાસે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા સ્‍થાપિત મા અંબાની મૂર્તિ, દેવળા ગેઈટ ખાતે જય ખોડીયાર બાળ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી બુટભવાની માતાજીની પૂર્ણ કદની મૂર્તિ, ઝીંઝુડા ગેઈટ ખાતે દાસારામ મિત્ર મંડળ દ્વારા બનાવવામાં આવેલી મા અંબાની મૂર્તિ, ઝીંઝુડા ગેઈટ નજીક ગાયોના ગોંદરે મા આધશક્‍તિ શક્‍તિ સકત માતાજીની મૂર્તિ તેમજ રાઉન્‍ડ મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી ભગવાન શ્રીનાથજીની દિવ્‍ય અને દર્શનીય મૂર્તિનાં દર્શન કરશે. આ ઉપરાંત જય ખોડીયાર બાળ મંડળ દ્વારા આયોજિત અર્વાચીન અને પ્રાચીન રાસ-ગરબાના કાર્યક્રમની પણ મુલાકાત લઈ માતાજી ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને આશીર્વચન પાઠવશે. પરમ પૂજ્‍ય ૧૦૦૮ મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી ગુરૂશ્રી હરિગીરી મહારાજના આગમનને લઈને ભક્‍તોમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પાવન અવસરે સાવરકુંડલા તાલુકાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનોને પરમ પૂજ્‍ય ૧૦૦૮ મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજીનાં દર્શન અને આશીર્વચનનો લાભ લેવા ઉપસ્‍થિત રહેવા સેવક અમિતગીરી ગોસ્‍વામી દ્વારા અપીલ કરવામાં આવી છે.

(1:41 PM IST)