News of Sunday, 26th April 2026
જામનગરના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજે લીમડાલેનમાં કર્યું મતદાન : નાગરિકોને આપ્યો લોકશાહીનો સંદેશ
વર્ષો બાદ મતદાન મથક બદલાયું છતાં ફરજ નિભાવી, કહ્યું- સ્થળ બદલાય પણ મતદાનની ભાવના ન બદલાય; દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરવો એ મૂળભૂત અધિકાર અને ફરજ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 દરમિયાન જામનગર શહેરમાં આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખો સંદેશ આપ્યો હતો.
મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ રવિવારે લીમડા લેન વિસ્તારમાં આવેલી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સ્થિત મતદાન મથકે પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો મત નોંધાવ્યો હતો. મતદાન બાદ શહેરના તમામ નાગરિકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે મતદાન કરવું અત્યંત જરૂરી છે અને આ આપણો મૂળભૂત અધિકાર તેમજ ફરજ છે.
*વર્ષોની પરંપરા તૂટી, પણ ફરજ અડગ*
ખાસ નોંધનીય બાબત એ છે કે, આણંદાબાવા સેવા સંસ્થાના સંકુલમાં આવેલી શાળામાં વર્ષોથી મતદાન મથક રહેતું હોવાથી મહંતશ્રી ત્યાં જ મતદાન કરતા આવ્યા છે. પરંતુ આ વખતે મતદાન મથકમાં ફેરફાર થતાં તેઓ પ્રથમ વખત પોતાના પરિચિત સ્થળ બહાર આવીને અન્ય મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થળ બદલાયું હોય છતાં મતદાન કરવાની ભાવના બદલાતી નથી અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મહંતશ્રીના આ પ્રયાસથી સ્થાનિકોમાં પણ મતદાન પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે. તેમણે ખાસ કરીને યુવાનોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી હતી.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
