<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મોરબીના વનાણીયામાં મહેશને કાકાએ પતાવી દીધો

કુટુંબી કાકા સુરેશ રાઠોડ જાહેરમાં ગાળો બોલતા હોઇ તેને સમજાવવા જતાં ઝપાઝપી થઇઃ બાદમાં કાકા સુરેશે ઘરમાંથી છરી લાવી પેટ-પડખા-છાતીમાં ઘા મારી દીધાઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં યુવાને દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીનીઃ પોલીસે આરોપીને દબોચી લીધો

રાજકોટ તા. ૧: ગાળો બોલવા જેવી વાતે હત્‍યાની એક ઘટના બની છે. મોરબીના માળીયા તાબેના વનાણીયા ગામે એક યુવાને શેરીમાં ગાળો બોલી રહેલા કુટુંબી કાકાને સમજાવતાં કાકાએ તેની સાથે પણ ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી અને બાદમાં તે ઘરમાં ગયા બાદ છરી સાથે પરત આવી ભત્રીજા પર તૂટી પડતાં પેટ, પડખા, છાતીમાં છરીના ઘા મારી દેતાં ભત્રીજાનું મોત થયું છે. ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. બીજી તરફ હત્‍યા કરી ભાગેલા કાકાને પોલીસે સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના વનાણીયા ગામે રહેતાં મહેશ ગોરધનભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) નામના યુવાન પર સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘર પાસે હતો ત્‍યારે તેના કુટુંબી કાકા સુરેશભાઇ કાનજીભાઇ રાઠોડે છરીથી હુમલો કરી પડખા, છાતીમાં, પેટમાં ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ પડી ગયો હતો. બનાવને પગલે દેકારો મચી જતાં પરિવારજનો, બીજા લોકો દોડી આવતાં હુમલો કરનાર કાકા સુરેશ રાઠોડ ભાગી ગયા હતા. મહેશને લોહીલુહાણ હાલતમાં મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

હત્‍યાનો ભોગ બનનાર મહેશ રાઠોડ  બે ભાઇ અને બે બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેના અન્‍ય ભાઇ-બહેનોના નામ કાજલબેન, કિરણબેન, સાગર છે. પિતા ગોરધનભાઇ રાઠોડ રિક્ષાના ફેરા કરે છે. મહેશ છુટક મજુરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. સગાના કહેવા મુજબ મહેશના કુટુંબી કાકા સુરેશભાઇ રાઠોડ સાંજે ઘર પાસે જાહેરમાં ગાળો બોલતાં હોઇ મહેશે તેને જાહેરમાં ગાળો નહિ બોલવા અને ઘરમાં  જતાં રહેવા સમજાવ્‍યા હતાં. પણ કાકા સુરેશભાઇ વધુ ઉશ્‍કેરાઇ ગયા હતાં. ઝપાઝપી કરી તે ઘરમાં જતાં રહેલ, થોડીવારમાં છરી સાથે આવી અચાનક જ ભત્રીજા મહેશ પર હુમલો કરી દઇ પેટ, પડખા, છાતીમાં ઘા મારી દીધા હતાં. પેટનો ઘા એટલો ઉંડો હતો કે આંતરડા બહાર નીકળી ગયા હતાં. મહેશને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શક્‍યો નહોતો. યુવાન દિકરાની હત્‍યાથી રાઠોડ-કોળી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી કરી આરોપીને હસ્‍તગત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

 

(10:59 AM IST)