<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જુનાગઢ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમમાં વિપુલ ઓટો ગેરેજના ગોડાઉનમાંથી રૂ. 5.17 લાખનો ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો : 1 આરોપીની ધરપકડ

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના બાદ બાતમીના આધારે કરાયેલા દરોડામાં 10250 કિલો ઘઉં અને 12500 કિલો ચોખા મળી આવ્યા, આર્થિક લાભ માટે બહારગામથી અનાજ મંગાવી હેરાફેરી કરતો હતો આરોપી સમીર ઉર્ફે સલીમ, ડી.આઈ.જી.એ આપી કડક કાર્યવાહીની ચેતવણી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ : જુનાગઢ રેન્જ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાળાબજારીને ડામવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના અનુસંધાને રેન્જ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બાતમી આધારિત કાર્યવાહીઓનો દોર યથાવત રાખવામાં આવ્યો છે.

 

આ જ કડક વલણના ભાગરૂપે જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર  વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી.ચુડાસમા, બી.ડી.માવદિયા તથા પોલીસ સ્ટાફના માણસો નિયમિત પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મળેલી ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે પોલીસ ટીમે કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમા, સોમનાથ હોટેલની પાસે, ક્રિષ્ના ગેસ કંપનીની પાછળ આવેલ "વિપુલ ઓટો ગેરેજ" નામના ભાડાના ગોડાઉન પર અચાનક રેઈડ પાડી હતી.  

પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે આ ગોડાઉન સમીર ઉર્ફે સલીમ બોદુભાઈ અગવાન, રહે. કેશોદ દ્વારા ભાડે રાખવામાં આવેલ છે. આરોપી પોતાના અંગત આર્થિક લાભ માટે બહારગામથી સરકારી સસ્તા અનાજ યોજનાનો ઘઉં અને ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે મંગાવીને આ ગોડાઉનમાં સંગ્રહ કરી, ત્યારબાદ તેની ખુલ્લા બજારમાં હેરાફેરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જગ્યાની સઘન વેરીફિકેશન અને તલાશી લેતા સ્થળ પરથી મોટા પ્રમાણમાં સરકારી અનાજ મળી આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 5,17,500/- નો સરકારી સસ્તા અનાજનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઘઉં, વજન: 10250 કિલોગ્રામ, કિંમત: રૂ. 2,05,000/- ચોખા, વજન: 12500 કિલોગ્રામ, કિંમત: રૂ. 3,12,500/કુલ મુદ્દામાલ: રૂ. 5,17,500.

 

આ કેસમાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે સલીમ બોદુભાઈ અગવાન, રહે. કેશોદ ની ધરપકડ કરવામાં આવી છે. સદરહુ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર કેસ કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હાલ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ ડી મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

આ અંગે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું કે "જુનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે આ કચેરીના સ્ટાફ દ્વારા કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે."

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર  વાય.બી.રાણા, પો.સ.ઇ. આર.જી.ચુડાસમા,  બી.ડી.માવદિયા, એ.એસ.આઇ. ગિરીરાજસિંહ પ્રધુમનસિંહ, ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, પો.હેડ કોન્સ. હરદેવસિંહ અમરસિંહ, મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિરણસિંહ, પો.કોન્સ. પ્રવિણસિંહ પીઠાભાઈ, ભુપતસિંહ ડોલરસિંહ, ડાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કરશનભાઈ, અરવિંદભાઈ રસિકભાઈ તથા ડ્રા. એ.એસ.આઇ. પ્રધુમનસિંહ રતુભા જોડાયા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:58 PM IST)