તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ધ્રાંગધ્રામાં ટાંકી તોડતી વખતે મોટી બેદરકારીઃ સોની સમાજની વાડી પર ટાંકી ધરાશાયી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: ધ્રાંગધ્રા શહેરમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં આવેલી અઢી લાખ લિટરની ક્ષમતા ધરાવતી અને ૩૦ મીટર ઉંચી પીવાના પાણીની જૂની ટાંકી જર્જરીત હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ ડેમોલેશનની કામગીરી દરમિયાન બેદરકારી જોવા મળી હતી. રાત્રિના સમયે ટાંકી તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક આ વિશાળ ટાંકી બાજુમાં આવેલી સોની જ્ઞાતિની વાડી પર ધરાશાયી થઈ હતી, જેના કારણે વાડીના મકાનને ભારે નુકસાન થયું હતું.
જો આ ટાંકી તોડવાની કામગીરી દિવસના સમયે કરવામાં આવી હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. રાત્રિના સમયે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે સાવચેતી રાખ્યા વિના ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારની સેફટી વગર અને અયોગ્ય આયોજન સાથે ટાંકી તોડવામાં આવી હતી, જેના કારણે મિલકતને નુકસાન થયું છે. જર્જરીત ટાંકી તોડતી વખતે યોગ્ય સાવચેતી કેમ રાખવામાં ન આવી, તે અંગે હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો વાડીને થયેલા નુકસાનને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે અને લોકો જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
