તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
માળિયા-હળવદ હાઈવે પર પોલીસની મેગા સર્જિકલ સ્ટ્રાઈક: ભૂસાની આડમાં છુપાવેલો ૨૧ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
નવકાર કારખાના પાસે ફિલ્મી ઢબે ટ્રક આંતરી ૬૬૭૨ બોટલ દારૂ સાથે રાજસ્થાની ચાલકની ધરપકડ, દારૂ અને વાહન સહિત કુલ ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આંતરરાજ્ય બુટલેગર નેટવર્કનો પર્દાફાશ કર્યો

માળિયા (મી.):સૌરાષ્ટ્રના હાઈવે પર નશાના સોદાગરો સામે પોલીસે આક્રમક અભિયાન તેજ કર્યું છે, જેના ભાગરૂપે માળિયા-હળવદ હાઈવે પરથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. માળિયા (મી.) પોલીસની ટીમ જ્યારે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમીના આધારે નવકાર કારખાનાની કટ પાસે રાજસ્થાન પાસિંગના એક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં ટ્રકમાં માત્ર ભૂસાની થેલીઓ હોવાનું જણાતું હતું, પરંતુ પોલીસે ઝીણવટભરી તલાશી લેતા ભૂસાના કવર નીચે છુપાવેલી વિદેશી દારૂની પેટીઓનો ખડકલો જોઈને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
પોલીસે ટ્રકની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૬૬૭૨ બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજે ૨૧,૦૭,૨૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઓપરેશનમાં દારૂના જથ્થા ઉપરાંત ૧૯ લાખની કિંમતનો ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ૪૦,૧૬,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્થળ પરથી ટ્રક ચાલક દરિયાવસિંહ લખાસિંહ રાવત (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે હાઈવે પરથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ધરપકડ કરાયેલા ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આ આખું નેટવર્ક જયપુરથી સંચાલિત હોવાનું બહાર આવ્યું છે. આ દારૂનો જથ્થો જયપુરના રાહુલ નામના શખ્સે મોકલ્યો હોવાનું અને ટ્રક માલિક સહિત અન્ય બે શખ્સોની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માળિયા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ગુજરાતમાં કયા બુટલેગરે મંગાવ્યો હતો તે દિશામાં ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે હાઈવે પર પોલીસની બાજ નજર સામે બુટલેગરોની કોઈપણ ચાલ હવે કામિયાબ નહીં થાય.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
