તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
માળીયા (મી.) CHCમાં બાળક માટે એક્સપાયરી ડેટવાળી દવા આપી દેવાયા હોવાની રાવ.
આરોગ્ય કર્મચારીઓની બેદરકારી સામે કડક પગલાંની માંગ : પેશન્ટે જ જાતે ત્યાં પડેલી એક્સપાઈરી ડેટ વાળી દવા લઈ લીધી હોવાનો ઈન્ચાર્જ અધિક્ષકનો બચાવ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોય એક બાળક માટે એક્સપાઈરી ડેટ વાળી દવા આપી દીધી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. તો બીજી તરફ ઇન્ચાર્જ અધિક્ષકે પેશન્ટે જાતે જ દવાબારીમાંથી દવા ઉપાડી લીધી હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા મિયાણાના સ્થાનિક રહીશ સિકંદર મોવર પોતાના બીમાર બાળકને સારવાર અર્થે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કર્યા બાદ બાળકના પિતા દવા બારી પર દવા લેવા ગયા હતા, જ્યાં ફરજ પર હાજર ફાર્માસિસ્ટે તેમને દવા આપી હતી. તેમના જણાવ્યા અનુસાર દવા પર છાપેલી વિગતો તપાસતા માલૂમ પડ્યું હતું કે દવાની વા૫૨વાની મુદત પૂર્ણ થઈ ચૂકી હતી.
બાળકના પિતાના જણાવ્યા અનુસાર તેમને સતર્કતા ન દાખવી હોત અને એક્સપાયરી ડેટવાળી દવા બાળકને આપી દીધી હોત, તો બાળકના સ્વાસ્થ્ય પર જીવલેણ આડઅસર થવાની પૂરી શક્યતા હતી. તેઓએ દર્દીઓના આરોગ્ય સાથે રમત રમનાર અને ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર જવાબદાર સ્ટાફ સામે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરેથી તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ સમગ્ર મામલે માળીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક ડો. નિરાલી ભાટીયાએ જણાવ્યું હતું કે, દર્દીએ જાતે જ દવાબારીએથી આ દવા લઈ લીધી છે. આ અંગેના સીસીટીવી પણ ચેક કરવામાં આવશે. સ્ટાફે એક્સપાઈરી ડેટ વાળી દવા સાઈડમાં રાખી હતી પરંતુ દર્દીએ આ દવા જાતે જ લઈ લીધી હતી દર્દી દવા લઈને હોસ્પિટલની બહાર પણ નીકળ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે જે દવાઓની એક્સપાઈરી ડેટ પૂર્ણ થઈ ગઈ છે તે જોખમી દવાઓ સામાન્ય દર્દીની પહોંચમાં આવે તે રીતે રાખવી પણ બેદરકારી જ ગણી શકાય. તેવામાં આરોગ્ય વિભાગ આ મામલે શુ પગલાં લ્યે છે તે જોવું રહ્યું.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
