<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

માળીયામીંયાણા પાા, વાંકાનેર ૩ાા, હળવદ ૩, ટંકારામાં ર ઇંચ વરસાદ

મોરબી જીલ્લામાં મેઘરાજાની સટાસટી : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી મેઘાવી માહોલ જામતા સૌના હૈયે ટાઢકઃ સર્વત્ર હળવો-ભારે વરસાદ યથાવત

પ્રથમ તસ્‍વીરમાં વાંકાનેર, બીજી તસ્‍વીરમાં મોરબી પંથક અને ત્રીજી તસ્‍વીરમાં ટંકારામાં વરસાદ પડયો હતો તે નજરે પડે છે. (તસ્‍વીરઃ લિતેશ ચંદારાણા (વાંકાનેર) પ્રવિણ વ્‍યાસ (મોરબી) જયેશ ભટ્ટાસણા (ટંકારા) (૪.૬)

રાજકોટ, તા., ૧૮: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ વચ્‍ચે મોરબી જીલ્લામાં મેઘરાજા વધુ મહેરબાન થયા છે અને ઝાપટાથી માંડીને સાડા પ ઇંચ વરસાદ પડયો છે. જયારે વાંકાનેરમાં સાડા ૩ ઇંચ, હળવદમાં ૩ ઇંચ, ટંકારામાં ર ઇંચ, મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

મોરબી-ટંકારા

(પ્રવિણ વ્‍યાસ-જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી-ટંકારા :  જિલ્લામાં વરસાદના નવા રાઉન્‍ડમાં તમામ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ માળિયામાં ૧૩૧ મિ.મી. એટલે કે પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં હતાં. વાંકાનેરમાં પણ ૮૭ મિ.મી. એટલે કે લગભગ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ટંકારામાં ૪૧ મિ.મી., હળવદમાં ૧૯ મિ.મી. અને મોરબીમાં ૧૭ મિ.મી. વરસાદ પડ્‍યો હતો.

મોસમના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી તાલુકો ૬૬૯ મિ.મી. સાથે જિલ્લામાં મોખરે છે. માળિયામાં ૬૩૫ મિ.મી., વાંકાનેરમાં ૫૭૧ મિ.મી., હળવદમાં ૫૫૫ મિ.મી. અને ટંકારામાં ૪૮૦ મિ.મી. વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી જળાશયો અને જળસ્રોતોમાં આવક વધવાની સાથે ખેતીને પણ લાભ થવાની આશા છે. (પ્રવીણ વ્‍યાસ મોરબી, જયેશ ભટાસણા ટંકારા અકિલા)

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ :

જુનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્‍તારોમાં આજે પણ ભારે વરસાદના ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગઈકાલની માફક આજે પણ સવારથી જુનાગઢ અને ગિરનાર જંગલ વિસ્‍તારમાં મેઘરાજા ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું.  સવારના  પ્રારંભિક ૪ કલાકમાં જૂનાગઢ શહેરમાં ૨ મીમી અને ગિરનાર પર્વત પર ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો.

જ્‍યારે જુનાગઢ જિલ્લાના વંથલીમાં ૨ મીમી, મેંદરડા ૧૫ મીમી, કેશોદ ૧ મીમી, માંગરોળ ૪ અને માળીયાહાટીના તાલુકામાં ૨ મીમી પાણી વરસ્‍યું હતું.

વાંકાનેર

(લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર : વાંકાનેરમાં આજે સવારે ર ઇંચ તથા ગઇકાલે રાત્રીના દોઢ ઇંચ વરસાદ પડતા સાડા ૩ ઇંચ વરસાદ પડયો છે.

આ તોફાની વરસાદને પગલે પંથકમાં બેવડો માહોલ જોવા મળી રહયો છે. જેમાં વરસાદની સખત જરૂરીયાત વચ્‍ચે અચાનક સારો એવો વરસાદ વરસી જતા ઉભા પાકને નવુ જીવન મળ્‍યું છે. ર ઇંચ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધતા ધરતીપુત્રો (ખેડુતો) હરખાઇ ઉઠયા છે. જયારે બીજી તરફ વરસાદની સાથે ભારે પવન અને સતત થઇ રહેલા વીજળીના કડાકા-ભડાકાના કારણે સામાન્‍ય નાગરીકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. હાલ વાતાવરણ ગોરંભાયેલું છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

હળવદ

(દીપક જાની દ્વારા) હળવદઃ અહીં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે વીજળી અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ઊંઘી રહેલા લોકો જાગી ગયા હતા.

શહેરમાં રાત્રે દોઢથી બે વાગ્‍યાની આસપાસ અચાનક કાળા વાદળો ઘેરાયા બાદ ભારે વીજળીના ચમકારા અને કાન ફાડી નાખે તેવા કડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. જોરદાર ઝાપટાંને કારણે શહેરના અનેક રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યાં હતાં.

વીજળીના સતત ચમકારા અને ભારે કડાકાને કારણે મીઠી નિંદર માણી રહેલા અનેક લોકો જાગી ગયા હતા. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્ર્રસરી હતી. કેટલાક નીચાણવાળા રસ્‍તાઓ ઉપર પાણી ભરાતાં વહેલી સવારે વાહનવ્‍યવહારને અસર થઈ હતી.

હળવદ સહિત મોરબી જિલ્લામાં આજે પણ હળવોથી મધ્‍યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્‍થળે ગાજવીજ અને વીજળીની શકયતા દર્શાવવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. વીજળી દરમિયાન ખુલ્લા મેદાન, વીજથાંભલા અને વળક્ષ નીચે ઊભા ન રહેવા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદ ૩ ઇંચ નોંધાયો હતો.

ખંભાળીયા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘરાજાની સતત ત્રીજા દિવસે પણ મહેર રહી હતી તથા દ્વારકામાં મોસમનો સોૈથી વધુ અગાઉ અઢી માસ ચોમાસામાં દોઢ ઇંચ અને ગઇકાલે એક જ દિવસમાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો તથા ભારે વરસાદથી પાણી-પાણી સાથે દ્વારકા જિલ્લામાં સોૈથી વધુ અહીં પડયો છે. જયારે દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ગઇકાલે અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે કલ્‍યાણપુર તથા ભાણવડમાં માત્ર ઝાપટા જ પડયા હતા. હજુ વરસાદી વાતાવરણ હોય આવવાની શકયતા સાથે ત્રણ દિવસથી સતત પડતા વરસાદથી અનેક સ્‍થળે પાકની સ્‍થિતિ પણ ખુબ સારી બની છે.

આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

મોરબી

માળીયા મિંયાણા  ૧૩૧ મી.મી.

મોરબી             ૯   મી.મી.

ટંકારા              ૪૪ મી.મી.

વાંકાનેર    ૮૭ મી.મી.

હળવદ             ૭૧ મી.મી.

જુનાગઢ

માણાવદર  ૨૨ મી.મી.

વંથલી             ૮ મી.મી.

જુનાગઢ    ૧૦ મી.મી.

ભેંસાણ     ૫ મી.મી.

વિસાવદર  ૭ મી.મી.

માંગરોળ   ૯ મી.મી.

માળીયા હાટીના    ર મી.મી.

ગીર સોમનાથ

તાલાલા    ૭ મી.મી.

પાટણ-વેરાવળ     ૨૦ મી.મી.

સુત્રાપાડા   ૨ મી.મી.

જામનગર

જામનગર  ૧ મી.મી.

જોડીયા            ૧૩ મી.મી.

ધ્રોલ               ૧૬ મી.મી.

લાલપુર    ૧ મી.મી.

જામજોધપુર        ૧ મી.મી.

(11:09 AM IST)