<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

મોરબીના શોભેશ્વર રોડ પરના કુબેરધારમાંથી વિદેશી દારૂની 156 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો.

કુબેરધાર મફતિયાપરામાં બાવળની કાંટમાં સંતાડેલો 33,995 રૂપિયાનો દારૂ બી ડિવિઝન પોલીસે કબ્જે કર્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિટી બી ડીવીઝન પોલીસે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન શોભેશ્વર રોડ પર આવેલા કુબેરધાર મફતિયાપરામાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બાવળની કાંટમાં સંતાડેલી 156 દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
    પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડીવીઝન પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પરોઢિયે 4:20 વાગ્યાના અરસામાં તેઓ શોભેશ્વર રોડ પર કુબેરધાર મફતિયાપરામાં પહોંચ્યા ત્યારે એક રહેણાક મકાન પાસે બાવળની કાંટમાં એક ઇસમ પૂંઠાના બોક્સ અને પ્લાસ્ટિકની થેલીઓ સાથે શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો જોવા મળ્યો હતો. પોલીસે તુરંત ત્યાં જઈને તપાસ ક૨તા બોક્સ અને થેલીઓમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો મળી આવી હતી.
  પોલીસે પંચોની રૂબરૂમાં ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આબીદભાઇ હસનભાઈ ભટ્ટી (ઉ.વ. 20 )(રહે. કુબેરધાર મફતિયાપરા, મોરબી-2, મૂળ રહે. કાજરડા, તા. માળીયા મિં.) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી વ્હીસ્કીની 91 બોટલ (કિંમત રૂ. 9100) અને વ્હીસ્કી (750 ml) ની 65 બોટલ (કિંમત રૂ. 24,895) મળી કુલ 156 બોટલ જપ્ત કરી હતી.
   પોલીસે કુલ 33,995 રૂપિયાની કિંમતનો 65.130 લીટર વિદેશી દારૂ કબ્જે કર્યો છે. વેચાણ કરવાના ઈરાદે પાસ પરમિટ વગર દારૂ રાખવા બદલ પોલીસે આરોપી આબીદભાઈ ભટ્ટીની વહેલી સવારે 4:50 વાગ્યે અટકાયત કરી હતી. તેની સામે મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(a), 116-B મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:38 PM IST)