<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, ૭૧ હજારનો મુદ્દામાલ જપ્ત

વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને બાઇક સહિત કુલ રૂ.૭૧,૧૨૮નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે

જામનગર : જામનગર શહેરમાં દારૂ અને જુગારના ગુનાઓ પર અંકુશ લાવવા માટે સ્થાનિક ગુના શોધ શાખા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને બાઇક સહિત કુલ રૂ.૭૧,૧૨૮નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

સ્થાનિક ગુના શોધ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં દારૂ-જુગાર વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના અંબર ચોકડી નજીક ગીતાલોજ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન સમંદરસિંહ ભરતસિંહ ગુર્જર (ઉંમર ૩૧, રહે. મોહનપુરા ગામ વિસ્તાર, કરોલી જિલ્લો, રાજસ્થાન)ને એક્ટિવા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીના કબજામાંથી વિદેશી દારૂની ૩૨ બોટલ કિંમત રૂ.૧૬,૧૨૮, એક મોબાઇલ ફોન કિંમત રૂ.૫,૦૦૦ તથા બાઇક કિંમત રૂ.૫૦,૦૦૦મળી કુલ રૂ.૭૧,૨૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનના જયપુર વિસ્તારમાં રહેતા ધીરુ પ્રકાશભાઈ ગુર્જર પાસેથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

(11:36 AM IST)