News of Saturday, 21st November 2026
ભાવનગરમાં ગેસ એજન્સીના વેપારી પાસેથી છરીની અણીએ 4 લાખની ખંડણી પડાવનાર મુખ્ય આરોપી કલ્પેશ ભરવાડ ઝડપાયો, પોલીસે ઉઠક-બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો
ખંડણીના કેસમાં ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડી પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, વેપારીઓમાં ફફડાટ ફેલાવનાર આરોપી સામે કડક કાર્યવાહી

ભાવનગર તા.૨૧ : ભાવનગરમાં ગેસ એજન્સીના વેપારી પાસેથી છરીની અણીએ 4 લાખ રૂપિયાની ખંડણી પડાવવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી કલ્પેશ ભરવાડને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેની પાસે ઉઠક-બેઠક કરાવીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી કલ્પેશ ભરવાડે ગેસ એજન્સીના વેપારીને છરી બતાવીને ધમકાવ્યો હતો. તેણે વેપારી પાસેથી 4 લાખ રૂપિયાની ખંડણી પડાવી હતી. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપી ઘટના બાદથી ફરાર હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ પોલીસ તેને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીએ કેવી રીતે વેપારીને ધમકાવ્યો, કેવી રીતે ખંડણી પડાવી તે અંગે પોલીસે વિગતવાર તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે જાહેરમાં તેની પાસે ઉઠક-બેઠક કરાવી હતી. પોલીસની આ કાર્યવાહીને લઈને સ્થાનિક લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
ભાવનગરમાં વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના કિસ્સાઓ વધતા વેપારી આલમમાં ભયનો માહોલ હતો. આરોપીની ધરપકડથી વેપારીઓએ રાહત અનુભવી છે. પોલીસે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, ખંડણીના નાણાં ક્યાં વાપરવામાં આવ્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આરોપી સામે અગાઉ પણ કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
