<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જામનગરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન : થારની ટક્કરથી i-20 બસ સાથે અથડાઈ : એક યુવાનનું કરુણ મોત

નૂરી ચોકડી નજીક ઇદ્રસપીરની દરગાહ પાસે ગમખ્વાર અકસ્માત : અફઝલ રહીમભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત, 3 મિત્રો ઘાયલ, કાળી થાર ચાલક ફરાર, કાવતરાની આશંકાએ પોલીસ તપાસ તેજ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦ :  શહેરમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ નૂરી ચોકડી નજીક આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે મોડી રાત્રે એક કાળા રંગની થાર કારના ચાલકે પુરઝડપે આવીને આગળ જઈ રહેલી i-20 કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે i-20 કાર કાબુ બહાર જઈને રોડ પર ઉભેલી એક ખાનગી કંપનીની બસ સાથે અથડાઈ હતી.

 

આ અકસ્માતમાં i-20 કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડાનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

અકસ્માત સર્જીને કાળી થારનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસના પીઆઈ વી.એમ. ડોડિયા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે થાર ચાલકની શોધખોળ કરી રહી છે, સાથે જ આ અકસ્માત પાછળ કોઈ અંગત અદાવત કે કાવતરું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:37 AM IST)