<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

અમરેલીના તુલસીશ્યામ વિસ્તારમાં 10 ફૂટ ઊંડા પાળામાં ફસાયેલા ગંભીર રીતે ઘાયલ સિંહનું રેસ્ક્યુ કરાયું

સિંહ એટલો ગંભીર રીતે ઘાયલ હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો અને જમીનથી અંદાજે 10 ફૂટ ઊંડા પાળા નીચે પડ્યો હતો

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જમાં ઇન્ફાઇટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા નર સિંહના રેસ્ક્યુની ઘટના સામે આવી છે. સિંહ એટલો ગંભીર રીતે ઘાયલ હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો અને જમીનથી અંદાજે 10 ફૂટ ઊંડા પાળા નીચે પડ્યો હતો.

 

ઘાયલ સિંહની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સામાન્ય પદ્ધતિથી રેસ્ક્યુ કરવું શક્ય નહોતું. સિંહ પાંજરામાં જાતે આવી શકે તેવી સ્થિતિમાં નહોતો. બીજી તરફ, નાજુક હાલતમાં તેને બેભાન કરવાની પ્રક્રિયા પણ જોખમી બની શકે તેમ હતી. તેથી વન વિભાગની ટીમે ખાસ આયોજન સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.

રેસ્ક્યુ દરમિયાન એક ટ્રેકરને પાંજરામાં સુરક્ષિત રીતે બેસાડી ઘાયલ સિંહની નજીક મોકલવામાં આવ્યો હતો. ટ્રેકરે 2 થી 3 લાકડીઓની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક સિંહને અલગ અલગ ભાગેથી ગાળિયામાં લીધો હતો. ત્યારબાદ ટ્રેકરને સુરક્ષિત રીતે બહાર કાઢી સિંહને પાંજરામાં લેવામાં આવ્યો હતો.

સિંહને પાંજરામાં લીધા બાદ પણ રેસ્ક્યુ ટીમ સામે મોટો પડકાર હતો. અંદાજે 20 લોકોની મદદથી ભારે પાંજરાને 10 ફૂટ ઊંડા પાળામાંથી ઉપર ચડાવી વાહન સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાયલ સિંહને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

સિંહની સતત સારવાર કરવામાં આવી હતી અને લગભગ 10 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ બન્યો હતો. ત્યારબાદ સિંહને તેના કુદરતી આવાસમાં ફરી મુક્ત કરવામાં આવ્યો હતો.

 

(6:10 PM IST)