તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
માંગરોળના બંદર વિસ્તારમાં ફાર્મમાં પાણી ભરાતા અનેક મરઘાના મોત
૪૧ ઇંચ વરસાદના લીધે ભારે નુકશાનઃ નદી કાંઠાના ગામોમાં ખેતીની જમીનનું ઘોવાણઃ રસ્તાઓ ધોવાઇ ગયાઃ હજુ પણ બંદરની સોસાયટીમાં ભરાયેલ પાણીઃ ગૌશાળામાં ચારો પલળી ગયો!

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળઃ તા. ૭, માંગરોળમાં સતત બે દિવસ સુધી સર્જાયેલા મેઘતાંડવથી નદી કાંઠાના ગામોમાં ખેતીની જમીનનું ભારે ધોવાણ થયું છે. તો વરસાદે વિરામ લીધાના ૧૨ કલાક પછી પણ હાઈવે પરથી ભારે માત્રામાં પાણી વહ્યા હતા. ગાંડીતુર થયેલી નદીના પાણીના પ્રચંડ વેગથી નજીકના હુસેનાબાદ ગામે આવેલો પુલનો કેટલોક ભાગ ધોવાયો હતો. જેનું તાત્કાલિક સમારકામ શરૂ કરી દેવાયા બાદ સોમનાથ દ્વારકા હાઇવેનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
શુક્રવારે દિવસ દરમ્યાન અવિરત ૨૩ ઈંચ અને છેલ્લા ત્રણ દિવસમાં ૪૦ ઈંચથી વધુ પડેલા વરસાદે પંથકમાં જળબંબાકારની સ્થિતિ સજી દીધી હતી. જો કે રાત્રીના નવ વાગ્યાથી વરસાદે વિરામ લેતાં લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આજથી ફરી જનજીવન થાળે પડ્યું હતું. નોળી નદીમાં પાણીની ભરપુર આવકથી નજીકના હુસેનાબાદ ગામે આવેલો પુલનો ભાગ ધોવાઈ ગયો હતો. પાણીના પ્રચંડ વેગે સાઈડની રેલીંગો ઉખાડીને દુર સુધી ફેંકી દીધી હતી અને ડામરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળ્યા હોય તેવા ઢેલાણા, ગોરેજ, સુલતાનપુર, રૂદલપુર, વલ્લભગઢ, માનખેત્રા, શેપા, હુસેનાબાદ ઉપરાંત નદી કાંઠાના ગામોમાં ખેતીની જમીનમાંથી માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હોવાના અહેવાલ મળે છે.
ખેડુતોના જણાવ્યા મુજબ અમુક જગ્યાએ તો જમીનમાં પથ્થરો દેખાઈ રહ્યા છે. વાવેતર પણ થઈ શકે તેવી સ્થિતિ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગૌશાળામાં પાણી ફરી વળતા અબોલ પશુઓનો ચારો પલળી ગયો છે. ગોરેજ અને સુલતાનપુરને જોડતો ભોયવાવની બાજુમાં ૧૦૦ મીટર રસ્તાનું ભયંકર ધોવાણ થતા લોકોની મુશ્કેલી વધી છે.
બંદર વિસ્તારમાં કેનાલ પાસે છાતીસમા પાણી ભરાતા મરઘાં ફાર્મ હાઉસમાં મરઘાં મોતને ભેટયા છે અને લાખોનું નુકસાન થયાનું જાણવા મળેલ છે.બંદર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં હજુ પણ મકાનોમાં પાણી ભરાયેલા છે. પુરતા પ્રમાણમાં પાણી ન ઓસરતાં અનાજ, રાશનનો જથ્થો પલળી ગયો છે. ઘરવખરીમાં પણ નુકશાન થયું છે. ભારે વરસાદથી વાડી વિસ્તારમાં ૬૮ વિજપોલ અને ૫ ટી.સી. ધરાશાયી થયા હતા. હાલ પાંચ ગામોમાં વીજ પુરવઠો બંધ છે. જે સાંજ સુધીમાં પૂર્વવત થવાનું વિજ અધિકારીએ જણાવ્યું હતું.
માંગરોળને કેશોદ, વેરાવળ, પોરબંદર સહિતના શહેરોને જોડતા રસ્તાઓ પર સાંજે છ થી સવારે છ વાગ્યા સુધી એસ.ટી.ના તમાંમ રૂટો બંધ કરાયા હતા. ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ઘેડ વિસ્તારના અમુક રૂટને બાદ કરતાં મોટાભાગના રૂટ શરૂ થઈ ચુકયા છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
