<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ઉના પાસે ખેતરમાંથી ૪.૪૧ લાખનું ગાંજાનું વાવેતર ઝડપાયું

જુનાગઢ સીઆઇડી ક્રાઇમ તથા એન્‍ટી નાર્કોટીકસ ટાસ્‍ક ફોર્સ (એએનટીએફ)નો દરોડો : લાંબા સમયથી ગાંજાની ખેતી છતાં સ્‍થાનીક કક્ષાએ કેમ તપાસ થઇ નહી? તેવી ચર્ચા

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૯: ઉના-ચાંચકવડ રોડ પાસે ખેતરમાં ગેરકાયદે ૪.૪૧ લાખનું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. જુનાગઢ સીઆઇડી ક્રાઇમ તથા એનએનટીએફ દ્વારા દરોડામાં આ ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.

ઉના-ચાંચવડ રોડ પર મંદિર પાસે  કંપાઉન્‍ડમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હોવાનો પર્દાફાશ સ્‍થાનિક પોલીસ નહીં, પરંતુ સીઆઇડી ક્રાઇમની એન્‍ટી નાર્કોટિક્‍સ ટાસ્‍ક ફોર્સ એએનટીએફએ કર્યો છે. આ ઘટનાએ જિલ્લા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

એએનટીએફની ટીમે બાતમીના આધારે દરોડો પાડતાં મહિલા આરોપી ગંગાદાસજી અવધેસદાસજી (ઉ.વ. ૩૮)ના કબજાવાળા ખેતરમાંથી ૮ કિલો ૮૩૩ ગ્રામ ગાંજાના છોડ મળી આવ્‍યા હતા. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂ. ૪,૪૧,૬૫૦ હોવાનું સામે આવ્‍યું છે. આરોપીની અંગજડતી દરમિયાન રેડમી કંપનીનો એક સ્‍માર્ટફોન અને સેમસંગ કંપનીનો એક કીપેડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્‍યા હતા. કુલ મળીને રૂ. ૪,૪૭,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

આ સમગ્ર કાર્યવાહી સીઆઇડી ક્રાઇમ, જુનાગઢ વિંગ, રાજકોટ ઝોનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આરોપી સામે ઊના પોલીસ સ્‍ટેશનમા નાર્કોટીકસની કલમ ૮(સી) અને ૨૦(એ) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સ્‍થાનિક લોકોમાં હવે ચર્ચા છે કે મંદિરના કંપાઉન્‍ડમાં ગાંજાની ખેતી લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં સ્‍થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ? આખરે સીઆઇડી ક્રાઇમને દરોડો પાડવો પડ્‍યો. આ ઘટનાએ જિલ્લામાં નશાના કારોબાર સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

(3:19 PM IST)