હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાલારના કિનારે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ
નવા-જૂના બેડી, રોઝી બંદર સહિત ટાપુ વિસ્તારોમાં સઘન ચેકિંગઃ માછીમારોને શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિને પગલે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં આજે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, ભેંસબીડ ટાપુ, બડા બેલા ટાપુ સહિતના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા તેમજ બોટ મારફતે પેટ્રોલિંગ કરી દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોની તપાસ હાથ ધરી હતી.
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) તથા કોસ્ટલ સિકયુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયાના માર્ગદર્શન તેમજ મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના નેતળત્વ હેઠળ આ વિશેષ પેટ્રોલિંગ યોજાયું હતું.
મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એમ. બોપલિયા સહિતના મરીન કમાન્ડો તથા બેડી મરીન પોલીસના સ્ટાફે વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા અને ટાપુ નજીકની અજાણી વ્યક્તિઓ, બોટો તથા શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.
ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન વિવિધ માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. દરિયામાં અથવા દરિયાકાંઠે કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો વિલંબ કર્યા વિના પોલીસને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ જામનગરના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન પેટ્રોલિંગ તથા સતત દેખરેખ યથાવત્ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો અને લોકોના સહયોગથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
