તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનો ‘લોખંડી’ પહેરો: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ગુજરાતની જળસીમા સીલ, આતંકી મનસૂબા ઠાર કરવા બાજ નજર!
અમેરિકા-ઈરાન તણાવની સીધી અસર: મરીન ટાસ્ક ફોર્સ, ATS અને કોસ્ટલ સિક્યુરિટીનું સંયુક્ત ‘સર્ચ ઓપરેશન’, રોઝી અને બેડી બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન બોટ પેટ્રોલિંગ શરૂ

જામનગર | તા.18: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને પગલે ભારતનો પશ્ચિમ દરિયાકાંઠો અત્યંત સંવેદનશીલ બની ગયો છે. આ વૈશ્વિક અશાંતિનો લાભ લઈને કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વો કે આતંકવાદીઓ જળમાર્ગે ઘૂસણખોરી ન કરે તે માટે જામનગરની મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સીમાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ હાઈ-એલર્ટ જાહેર કરીને દરિયાના ખૂણેખૂણાને સીલ કરી દીધો છે.
ATS અને મરીન કમાન્ડોનું મેગા સર્ચ ઓપરેશન
આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશદ્રોહી હિલચાલને જડબાતોડ જવાબ આપવાના હેતુથી જામનગર જિલ્લાના મહત્વના દરિયાઈ વિસ્તારોમાં મરીન કમાન્ડો દ્વારા ખાસ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કામગીરીમાં એ.ટી.એસ. (ATS), કોસ્ટલ સિક્યુરિટી અને મરીન ટાસ્ક ફોર્સની ટીમોએ સંયુક્ત રીતે જોડાઈને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને જામનગરના રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર તેમજ ખારા બેરાજા જેવા સંવેદનશીલ પોઈન્ટ્સ પર સવારથી જ હથિયારધારી કમાન્ડો તૈનાત કરી દેવાયા છે.
‘ફૂટ’ અને ‘બોટ’ પેટ્રોલિંગથી બાજ નજર
દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે કમાન્ડોની ટીમો દ્વારા સતત ‘ફૂટ પેટ્રોલિંગ’ અને ‘બોટ પેટ્રોલિંગ’ કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ માર્ગે આવતી દરેક શંકાસ્પદ બોટ અને અજાણ્યા શખ્સોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ અને માછીમારી કેન્દ્રો પર પણ કડક નિરિક્ષણ રાખવામાં આવી રહ્યું છે, જેથી દરિયાકાંઠાના અવાવરૂ સ્થળોનો કોઈ અસામાજિક તત્વો આશ્રય ન લઈ શકે.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, જામનગરનો દરિયાકાંઠો વ્યાપારી અને સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે ખૂબ જ મહત્વનો છે. અહીં મોટા રિફાઈનરી પ્રોજેક્ટ્સ અને મહત્વના બંદરો આવેલા હોવાથી કોઈ પણ પ્રકારની ભૂલને અવકાશ રહેતો નથી. હાલની આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને જોતા, સુરક્ષા દળો 24 કલાક સતર્ક છે અને જળસીમા પર કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત કાર્યવાહી કરવા સજ્જ છે.
દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થાનિકોને સતર્ક રહેવા અને કોઈ અજાણી વ્યક્તિ કે બોટ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
