તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
જામનગર જિલ્લાના સાગર કિનારે મરીન ટાસ્ક ફોર્સનું ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’, વેસ્ટ એશિયાની તંગદિલી વચ્ચે દરિયાઈ સુરક્ષા કડક કરાઈ
ATS અને કોસ્ટલ સિક્યુરિટી ADGP અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ એરફોર્સ રેન્જ, સિક્કા જેટી, સોલ્ટ ગેટ સહિતના વિસ્તારોમાં મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ બોટ-ઈસમોનું ચેકિંગ હાથ ધર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 13 વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જિલ્લાના સંવેદનશીલ સાગર કિનારા વિસ્તારમાં “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ” હાથ ધરવામાં આવ્યું હતું.
રાષ્ટ્ર વિરોધી, ગેરકાયદેસર, અસામાજિક, આતંકવાદી તથા દેશદ્રોહી પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા જામનગર જિલ્લાના એરફોર્સ રેન્જ, સરમત, રસૂલનગર, સિક્કા જેટી અને સોલ્ટ ગેટ સહિતના દરિયાઈ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ધરમવીર આર. યાદવ, પો.સ.ઈ. જી.એમ. બોપલિયા, પો.સ.ઈ. ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા તા. 12/05/2026ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ, ફિશિંગ સેન્ટર, વાઈટલ એરિયા તથા અવાવરૂ જગ્યાઓમાં સઘન ચેકિંગ કરાયું હતું. જામનગરના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતા જાળવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આવનારા સમયમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
