<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કચ્છના માતાના મઢ પંથકની માટીમાં મળ્યા મંગળ ગ્રહ સમાન ખનિજો: સ્પેસ સાયન્સ અને અવકાશ સંશોધનમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ

અમદાવાદ સ્થિત PRL અને IIT-ગાંધીનગરના સંશોધકો દ્વારા લાલ ગ્રહના રહસ્યો ઉજાગર કરતો વિશેષ અભ્યાસ સંપન્ન; આંતરરાષ્ટ્રીય જર્નલમાં સંશોધન પત્ર પ્રસિદ્ધ થવાથી સ્પેસ મિશનમાં મળશે મોટી મદદ.

ભુજ : સરહદી કચ્છ જિલ્લાની ધીંગી ધરા માત્ર પૃથ્વીના ઇતિહાસ પૂરતી સીમિત ન રહેતાં હવે અંતરિક્ષ વિજ્ઞાન અને મંગળ ગ્રહના રહસ્યો ઉકેલવામાં અત્યંત મહત્વની કડી સાબિત થઈ છે, જ્યાં ભુજથી ૮૦ કિલોમીટર દૂર લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ પંથકમાંથી મંગળ ગ્રહની સપાટી પર મળી આવતા ખનિજ જેવા જ સમાન રાસાયણિક અને ભૂસ્તરીય ગુણધર્મો ધરાવતી માટી મળી આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને આઈઆઈટી-ગાંધીનગરના અગ્રણી સંશોધકો દિનેશ કરુણાકરણ, નીરજ શ્રીવાસ્તવ, અભિષેક વર્મા, ત્વિષા કાપડિયા અને ધ્વનિલ પટેલની ટીમે આ વિશિષ્ટ માટી પર અભ્યાસ કરીને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત એલ્સેવિયરના આંતરરાષ્ટ્રીય જર્નલ ‘ઇકારસ’માં પોતાનું સંશોધન પત્ર પ્રસિદ્ધ કર્યું છે.

ઘટનાની વિગતવાર માહિતી આપતા પીઆરએલના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને મુખ્ય સહ-લેખક ડૉ. નીરજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બેસાલ્ટિક પ્રસ્તર ખડકો વચ્ચે કુદરતી રીતે જળવાયેલું શુદ્ધ ‘નેટ્રોજારોસાઈટ’ ખનિજ મળી આવવાથી અબજો વર્ષો પૂર્વે મંગળ ગ્રહ પર રહેલી સૂકી, એસિડિક અને વિષમ આબોહવાકીય પરિસ્થિતિઓનો તાગ મેળવવામાં મોટી સફળતા મળી છે.

સંશોધકોના મતે મંગળ ગ્રહના મેરિડિઆની પ્લેનમ અને ગેઈલ ક્રેટર જેવા ક્ષેત્રોમાં અગાઉ જારોસાઈટની પુષ્ટિ થઈ ચૂકી છે ત્યારે માતાના મઢના આ નમૂનાઓને મંગળ ગ્રહના સલ્ફેટ-યુક્ત ખડકોના વૈકલ્પિક નમૂના તરીકે તપાસીને સેટેલાઇટ ડેટાની સચોટતા ચકાસવા માટે એક વિસ્તૃત ‘એટ્રિબ્યુટ્સ લાઈબ્રેરી’ તૈયાર કરવામાં આવી છે.

આ અદભૂત વૈજ્ઞાનિક સંશોધનને કારણે ભવિષ્યમાં મંગળ ગ્રહ પર મોકલવામાં આવનાર ઓર્બિટર અને રોવર મિશનના ડેટાનું વિશ્લેષણ કરવું તેમજ કૃત્રિમ વૈજ્ઞાનિક નમૂના (સિમ્યુલન્ટ) તૈયાર કરવાનું કાર્ય અત્યંત સરળ અને સચોટ બનશે.

(6:44 PM IST)