<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

કચ્છના ગાંધીધામની મારૂતિનંદન લોજીસ્ટિક કંપની સાથે રૂ. 8.46 કરોડની સાયબર ઠગાઈ !

OTP વગર 209 ટ્રાન્ઝેક્શન કરી યસ બેંકના ખાતામાંથી રૂ. 8,46,07,849 સેરવી લેવાયા; બેંકને તાત્કાલિક જાણ કરવા છતાં ખાતું ફ્રીઝ ન થતાં ગંભીર સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  ગાંધીધામની મારૂતિનંદન લોજીસ્ટિક કંપની સાથે કરોડો રૂપિયાની ચકચારી સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે. કંપનીના યસ બેંકના ખાતામાંથી સાયબર ઠગોએ કુલ 211 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 8,46,07,849ની માતબર રકમ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પૈકી 209 ટ્રાન્ઝેક્શન OTP વગર જ કરવામાં આવ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે દિલીપ કરસનભાઈ મોકરીયાએ પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સાયબર ઠગોએ કંપનીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેરકાયદેસર કબજો મેળવી અથવા બેંકિંગ સિસ્ટમની ખામીનો લાભ લઈને ખાતામાંથી આટલી મોટી રકમ ઉપાડી લીધી હતી. વધુ ગંભીર બાબત એ છે કે છેતરપિંડીની જાણ થતાં જ ફરિયાદીએ બેંક મેનેજરને તાત્કાલિક જાણ કરી ખાતું તથા ડેબિટ સુવિધા ફ્રીઝ કરવા રજૂઆત કરી હોવા છતાં સમયસર કાર્યવાહી ન થતાં કરોડો રૂપિયાની રકમ ગુમાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમના વ્યવહારો OTP વગર કેવી રીતે થયા અને બેંકને જાણ કર્યા બાદ પણ ખાતું સમયસર ફ્રીઝ કેમ ન થયું તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:30 AM IST)