તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
કચ્છના કબરાઉ ગામ નજીક પેગવિલ પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ : કરોડોના નુકસાનની આશંકા
મોડી રાત્રે 1 વાગ્યે લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા ગાંધીધામ, કંડલા ટિમ્બર અને આરતી ઈન્ડસ્ટ્રીની ફાયર ટીમો દોડી, 10 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી

( વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામ નજીક આવેલી પેગવિલ પ્લાયવુડ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે વિવિધ ફાયર ટીમોની મદદ લેવી પડી હતી.
112ની ટીમ દ્વારા જાણ કરવામાં આવતાં ગાંધીધામ મહાનગરપાલિકાની ફાયર ટીમ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયરમેન પ્રવીણ દાફડાના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે લાગેલી આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરતી ઇન્ડસ્ટ્રીની ફાયર ટીમ, કંડલા ટિમ્બર ફાયર ટીમ તેમજ ગાંધીધામ મહાનગરપાલિકાની ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. આગની વિકરાળતાને કારણે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોડી રાત્રે આશરે 1 વાગ્યાના સુમારે લાગેલી આગ પર લાંબી જહેમત બાદ સવારે 11:30 વાગ્યાની આસપાસ કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની વિવિધ ટીમોએ કલાકો સુધી કામગીરી કરી હતી.
આગની ઘટનામાં કંપનીમાં રહેલો પ્લાયવુડ સહિતનો અનેક માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની ભીષણતાને જોતાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ પણ હજી જાણી શકાયું નથી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ અને થયેલા નુકસાન અંગે વધુ વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
