<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ચોટીલા-અમદાવાદ હાઈવે પર લક્‍ઝરી બસમાં ભીષણ આગઃ મોટી દુર્ઘટના ટળી

ડ્રાઈવર-ક્‍લીનરની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવઃ ૪ દિવસ પહેલાં જ આ જ હાઈવે પર ૪ લોકોના જીવ ગયા હતા

(જીગ્નેશ શાહ-ફઝલ ચૌહાણ દ્વારા) ચોટીલા-વઢવાણ, તા.૧૯: ચોટીલા-અમદાવાદ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર સાંગાણી ગામ નજીક કાલે બપોરે રાજકોટથી અમદાવાદ જતી ખાનગી લક્‍ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી જતા મુસાફરોમાં દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.

બસમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઈવર અને ક્‍લીનરે તાત્‍કાલિક બસ રોકી તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા. આ સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી અને કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્‍યો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પોલીસે પૂર્વવત કરાવ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે માત્ર ચાર દિવસ પહેલાં જ આ જ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્‍સની બસ અને ડામર ભરેલા ટેન્‍કર વચ્‍ચેના અકસ્‍માત બાદ લાગેલી આગમાં ૪ લોકોના જીવ ગયા હતા. ફરી બસ સળગવાની ઘટનાથી મુસાફરો અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પોલીસે આગનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

(11:35 AM IST)