<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદરમાં પુરતુ પાણી મળી રહે તે માટે મેયર સાગરભાઇનું આગોતરૂ આયોજન

૧૩ર૦ મીટરની એકસ્‍ટેશન પાઇપ લાઇન નાખવાની કામગીરીઃ નર્મદાના પાણી વિતરણ જથ્‍થામાં વારો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧:  શહેરના નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાના મેયરશ્રી સાગરભાઈ મોદીનું આગોતરું આયોજન કરેલ છે. જેમાં  એન.સી.-૩૮ પાઈપલાઈનમાં ૧,૩૨૦ મીટરની એક્‍સ્‍ટેન્‍શન લાઈન નાખવાની કામગીરી તથા  નર્મદાના વર્તમાન ૧૫ એમ.એલ.ડી. પાણીમાં વધારાના ૨૦ એમ.એલ.ડી. પાણીનો ઉમેરો થતાં પાણી પુરવઠો વધુ સુદૃઢ બનશે.  શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને સમયસર પીવાનું પાણી મળી રહે તે માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળાની ઋતુ સહિત આગામી સમયમાં પાણીની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને પાણી પુરવઠાની વ્‍યવસ્‍થા વધુ મજબૂત બને તે માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્‍ય સરકાર સમક્ષ જરૂરી રજૂઆતો કરવામાં આવી છે.

મેયરશ્રી સાગરભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, પોરબંદર શહેરમાં નાગરિકોને પાણીની કોઈ અછતનો સામનો ન કરવો પડે અને નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી સમક્ષ પોરબંદર શહેરને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્‍ધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

મેયરશ્રી સાગરભાઈ મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, એન.સી.-૩૮ પાણી પુરવઠા લાઈનમાં અંદાજે ૧,૩૨૦ મીટરની વધારાની એક્‍સ્‍ટેન્‍શન લાઈન નાખવામાં આવે તો હાલમાં નર્મદા આધારિત વ્‍યવસ્‍થા મારફતે મળતા આશરે ૧૫ એમ.એલ.ડી. પાણી ઉપરાંત વધારાનું ૨૦ એમ.એલ.ડી. પાણી પોરબંદર શહેરને મળી શકે તેમ છે. આ વધારાનું પાણી ઉપલબ્‍ધ થતાં શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થાને નોંધપાત્ર રીતે મજબૂતી મળશે. આ માટે રાજ્‍ય સરકાર સમક્ષ જરૂરી રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર તરફથી પણ સકારાત્‍મક પ્રતિસાદ મળ્‍યો હોવાનું મેયર સાગરભાઈ મોદીએ જણાવ્‍યું હતું. ૧,૩૨૦ મીટરની એક્‍સ્‍ટેન્‍શન લાઈનનું કામ ટૂંક સમયમાં હાથ ધરાય અને લાઈન કાર્યરત થાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લાઈન કાર્યરત થયા બાદ એન.સી.-૩૮ મારફતે વધારાનું ૨૦ એમ.એલ.ડી. પાણી ૨૪ કલાકના સમયગાળામાં ઉપલબ્‍ધ થતું થશે, જેના પરિણામે પોરબંદર શહેરના પાણી પુરવઠા આયોજનને વધુ મજબૂત આધાર મળશે.

વધારાના પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ થતાં પોરબંદર શહેરમાં પાણી વિતરણ દરમિયાન પાણીના જથ્‍થાને લઈને ઊભી થતી સંભવિત મુશ્‍કેલીઓમાં ઘટાડો થશે. નાગરિકોને જરૂરી પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીનાસ્ત્રોતથી લઈને વિતરણ વ્‍યવસ્‍થા સુધીનું સમગ્ર આયોજન વધુ સુદૃઢ બનાવવામાં આવશે.

પોરબંદર શહેરની પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવા બદલ મેયરશ્રી સાગરભાઈ મોદીએ કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા પાણી પૂરવઠા વિભાગનો વિશેષ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. બંને મંત્રીઓ દ્વારા પોરબંદરના પાણીના પ્રશ્નને સરકારના યોગ્‍ય સ્‍તરે જરૂરી કાર્યવાહી કરવા ધ્‍યાન દોર્યું હતું.

પોરબંદરમાં બંધ ડંકીઓ

ચાલુ કરવાની કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧ : મેયર શ્રી સાગરભાઈ મોદી દ્વારા મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગને સૂચના આપવામાં આવી છે કે, શહેરમાં જે સ્‍થળોએ ડંકીઓ તથા હેન્‍ડપંપ બંધ હાલતમાં છે, તે સ્‍થળોને પ્રાથમિકતા આપી જરૂરી કામગીરી હાથ ધરી તાત્‍કાલિક કાર્યરત કરવામાં આવે.

 નાગરિકોને પાણી મેળવવામાં કોઈ અગવડતા ન પડે અને દૈનિક વપરાશ માટે પૂરતું પાણી સરળતાથી ઉપલબ્‍ધ થઈ શકે તે માટે મેયર સાગરભાઇએ વોટર વર્કસ વિભાગને સુચના આપી છે

(2:01 PM IST)