તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-૨ બાદ યોજાયેલી બેઠકમાં મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાના મંત્રીઓ અને કલેક્ટર સામે આકરા પ્રહારો : ભાષણનો વિડીયો વાયરલ થતાં ચર્ચા જગાવી : જુઓ વિડિયો
કરોડો રૂપિયાની ડીલના આક્ષેપો વચ્ચે કલાકાર હકાભા ગઢવીએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી આંદોલનકારી નીલેશભાઈ એરવાડિયા પર ૨૫ કરોડ માંગ્યાનો ધડાકો કર્યો

પ્રવીણ વ્યાસ દ્વારા, જેતપર: જેતપર ખાતે ખેડૂત આંદોલન પાર્ટ-૨ પૂર્ણ થયા બાદ સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે યોજાયેલી બે દિવસીય સમીક્ષા બેઠકમાં નવો વિવાદ સર્જાયો છે. આંદોલન પાર્ટ-૩ શરૂ કરવા અંગે ગત રાત્રિએ મળેલી ખેડૂતોની સભામાં આંદોલનકારી અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સગા ભાઈ રાકેશભાઈ અમૃતિયા (કાળુભાઈ/કારૂભાઈ) એ મંત્રીઓ, ધારાસભ્યો અને તત્કાલીન કલેક્ટર સામે જાહેર મંચ પરથી આક્રોશ ઠાલવતા ધમકીભર્યા સૂરો વાપર્યા છે, જેનો વિડીયો વાયરલ થતાં રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. બીજી તરફ, આ જ આંદોલનના સંદર્ભમાં જાણીતા કલાકાર હકાભા ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને આંદોલનકારી નીલેશભાઈ એરવાડિયા સામે ગંભીર આક્ષેપો કરતા મામલો વધુ ગૂંચવાયો છે.
મંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ઉર્ફે કાળુભાઈનો મંચ પરથી લલકાર:
ખેડૂતો સાથે અગાઉ ઉપવાસ આંદોલનમાં બેઠેલા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાએ રાત્રિ બેઠકમાં ખેડૂતોને સંબોધિત કરતી વખતે ભાષાની મર્યાદા ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમણે મંચ પરથી ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ખેડૂતોને પૂરું વળતર નહીં મળે તો લાલ ગાડીઓમાં ફરતા મંત્રીઓને ૧૦૮ માં નાખવા પડશે, આમાં કોઈની શરમ રાખવાની નથી. મંત્રી અને ધારાસભ્યો સામે આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, આ લોકો અહીં પાણી પીને ત્યાં ઉલ્ટી કરે છે, ગામમાં કોઈને આવવા દેવા નથી અને કોઈ ખેડૂતને ધમકી આપે તો મને કહેજો. ૨૦ દિવસના ભૂખ્યા રહેવાનો ઉલ્લેખ કરીને તેમણે તત્કાલીન કલેક્ટર ઝવેરી સામે પણ જાહેર મંચ પરથી અપશબ્દોનો વરસાદ કર્યો હતો અને કાયદાકીય ઓર્ડર સામે સવાલો ઉઠાવ્યા હતા.
૨૫ કરોડની માંગણીનો આક્ષેપ - હકાભા ગઢવીનો નીલેશભાઈ એરવાડિયા પર પલટવાર:
જેતપર ખેડૂત આંદોલન દરમિયાન કલાકાર હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશભાઈ એરવાડિયા વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો. આ ઓડિયોમાં કરોડો રૂપિયાની માંગણીના આક્ષેપો થયા બાદ નીલેશભાઈ એરવાડિયાએ કરેલા પલટવારના જવાબમાં હકાભા ગઢવીએ એક સ્પષ્ટતા કરતો વિડીયો જાહેર કર્યો છે. હકાભાએ વિડીયોમાં જણાવ્યું છે કે, તેઓ ડાયરો પૂરો કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે નીલેશભાઈ એરવાડિયા તેમની જ ગાડીમાં પેટ્રોલ પંપ સુધી આવ્યા હતા અને ત્યાં સરકાર પાસેથી આંદોલન સમેટવા માટે ૨૫ કરોડ રૂપિયા લેવાની વાત કરી હતી.
હકાભા ગઢવીએ દાવો કર્યો છે કે આંદોલન સમિતિ અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરીને પૈસા માંગનારા નીલેશભાઈ એરવાડિયાને ખુલ્લા પાડવા માટે જ તેમણે પોતે નાટકીય રીતે ફોન કરીને આ ઓડિયો વાયરલ કર્યો હતો. હકાભાએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો નીલેશભાઈ એરવાડિયા પોતાની ભૂલ સ્વીકારી લે તો તેમની પાસે રહેલા પુરાવાઓ તેઓ ક્યાંય આપવા માંગતા નથી, પરંતુ જો તેઓ નહીં માને તો આંદોલન સમિતિ અને સમાજના આગેવાનો સમક્ષ તમામ પુરાવા રજૂ કરવા તેઓ તૈયાર છે. હકાભાએ ઉમેર્યું કે આ પુરાવા જાહેર થવાથી સમાજની બદનામી થશે, પરંતુ આંદોલન તોડવાના તમામ પ્રયાસો નીલેશભાઈ એરવાડિયા દ્વારા જ કરવામાં આવ્યા હતા અને તેમને આંદોલન છાવણીએ આવતા પણ રોકવામાં આવ્યા હતા. હાલ આ બંને વિવાદોએ સોશિયલ મીડિયા અને ખેડૂત આલમમાં ભારે ચર્ચા જગાવી છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
