<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

કેશોદ પાલિકામાં કાલે બેઠકઃ ક્રીમ કમિટીમાં સ્‍થાન મેળવવા સદસ્‍યો વચ્‍ચે સ્‍પર્ધા !

કારોબારી સમિતિના ચેરમેનના નામ સિવાય હજુ સુધી અન્‍ય કોઈ નામની જાહેરાત થઈ નથી : સામાન્‍ય સભામાં થશે જુદી જુદી કમિટી - સમિતિઓની વહેંચણીઃ સૌ પોતપોતાની રાજકીય ક્ષમતા મુજબ ઉચ્‍ચકક્ષાએ ખાનગીમાં ભલામણો કરી રહેલ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૮: ભાજપ શાસીત કેશોદ નગરપાલિકા માં પ્રમુખ સત્તા પર આવ્‍યા ના ૨૨ દિવસ બાદ ચાલુ માસમાં જ દ્વિતીય સામાન્‍ય સભા બોલાવવામાં આવેલ છે. સામાન્‍ય સભા દરમિયાન જુદી જુદી કમિટી અને સમિતઓ ના હોદ્દેદારો તથા સભ્‍યો ની નિમણુંક થશે.

(૧) ગત તારીખ ૨ જુનના રોજ મળેલ સામાન્‍ય સભા ને બહાલી આપવા (૨) કેશોદ નગરપાલિકા ની જુદી જુદી શાખાઓ માટે કમિટી અને સમિતિઓની રચના કરવી (૩) જુદી જુદી શાખાઓ તરફથી આવેલ રિપોર્ટને વંચાણે લઈ નિર્ણય કરવા (૪) પ્રમુખ તરફથી જે રજૂ થાય તે. આમ કુલ ચાર મુદ્દાનો ગત તારીખ ૧૦ જુનના રોજ સ્‍થાનિક નગરપાલિકાના પ્રમુખે એક એજન્‍ડા ઇસ્‍યુ કરી તારીખ ૧૯ ને શુક્રવારના રોજ એક સામાન્‍ય સભા ની બેઠક બોલાવેલ છે. જેમાં ખાસ ઉપસ્‍થિત રહેવા પાલિકાના તમામ ૩૬ સદસ્‍યોને આમંત્રિત કરાયા છે.

ગત તારીખ ૨ જૂન ના રોજ પાલિકાના નવા મહિલા પ્રમુખે કાર્યભાર સંભાળ્‍યા બાદ સૌપ્રથમ જનરલ બોર્ડ બોલાવેલ હતી. જેના એજન્‍ડામાં એક મુદ્દો પાલિકાની જુદી જુદી કમિટી - સમિતિઓ ની રચના કરવાનો હતો. આ અંગે કહેવાય છે કે, આ કમિટી - સમિતિમાં કોને ક્‍યુ સ્‍થાન આપવું તે અંગેની પસંદગી જિલ્‍લા ભાજપ સંગઠન કરતી હોય ગત તારીખ ૨ ની બેઠક દરમિયાન કોઈપણ કારણોસર જિલ્‍લા ભાજપ તરફથી નામો ની યાદી નું કવર નહીં આવતા પરિણામે આ અંગેની જરૂરી એવી ઠરાવ ની પ્રક્રિયા થઈ શકેલ ન હોય, બેઠક દરમિયાન ના છૂટકે આ મુદ્દો પડતો મૂકવો પડેલ હતો. જે જુદી જુદી કમિટી - સમિતિઓની વ્‍હેચણી કરવા માટે આ અગાઉ મળેલ બેઠકના ૧૭ દિવસ બાદ ફરી એક વખત સામાન્‍ય સભા બોલાવવા માં આવેલ છે.

જાણકારો ના મત મુજબ આવતીકાલે સવારે ૧૧ કલાકે સ્‍થાનિક નગરપાલિકાના સભાખંડમાં યોજાનાર બેઠકમાં બહુમત સદસ્‍યો ના ઠરાવના આધારે કારોબારી, ટાઉન પ્‍લાનિગ, પસંદગી સમિતિ,બાંધકામ શાખા, રોશની શાખા, આરોગ્‍ય શાખા સહિત જુદી જુદી લગભગ ૧૮ થી ૨૦ જેટલી કમીટી સમિતિઓ ની રચના થશે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં કેશોદ પાલિકાની યોજાયેલ સામાન્‍ય ચૂંટણી બાદ ગત તારીખ ૧૯ મે ના રોજ પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન દેવળીયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળા ચૂંટાઈ પાલીકાનો કાર્યભાર સંભાળેલ હતો. ૯ વોર્ડના વિશાળ ભૌગોલિક સીમાંકન ધરાવતી સ્‍થાનિક નગરપાલિકાની નવી ૩૬ સદસ્‍યોની કમિટીમા ભાજપ ૩૩ સદસ્‍યોનું તથા વિપક્ષ કોંગ્રેસ ત્રણ સદસ્‍યો નું સંખ્‍યા બળ ધરાવે છે.

સામાન્‍ય ચૂંટણી બાદ મળેલ પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં પ્રમુખ - ઉપપ્રમુખ ઉપરાંત જિલ્‍લા ભાજપ તરફથી કારોબારી કમિટીના ચેરમેન તરીકે રમણીકભાઈ સાવલિયા, વિરોધ પક્ષના નેતા તરીકે અજય ભાઈ કોટક (હકાભાઇ) તથા દંડક તરીકે પારુલબેન જયેશભાઈ દવે ના નામોની જાહેરાત કરવામાં આવેલ હતી.

જાણકારોના જણાવ્‍યા મુજબ કારોબારી સમિતિના ચેરમેન તરીકેનું અગાઉથી નામ તો જાહેર કરી દેવામાં આવેલ હતું પરંતુ આ અંગે સામાન્‍ય સભામાં હજુ ઠરાવની પ્રક્રિયા બાકી હોય જે આવતીકાલે યોજાનાર બેઠકમાં કારોબારી સમિતિ સહિતની જુદી જુદી શાખા ની કમિટી અને સમિતિ ઓ ના અધ્‍યક્ષ અને સદસ્‍યોના નામ પર સત્તાવાર રીતે મહોર લાગી જતા સૌ હોદ્દેદારો પોતપોતાનો કાર્યભાર સંભાળી લેશે.

કારોબારી સમિતિના અધ્‍યક્ષના નામને બાદ કરતા હજુ સુધી અન્‍ય કોઈ કમિટી - સમિતિના અધ્‍યક્ષના કે સભ્‍યોના નામની જાહેરાત કરવામાં આવેલ નથી. કારોબારી કમિટી બાદ મુખ્‍યત્‍વે ટાઉન પ્‍લાનિગ કમિટી, પસંદગી સમિતિ, બાંધકામ સમિતિ સહિતની કેટલીક કમિટીઓ ના હોદ્દા ઓ ક્રીમ, પ્રતિષ્ઠિત અને વજન વાળા માનવામાં આવે છે. આ અંગે કોઈ સેન્‍સ પ્રક્રિયા કે દાવેદારી હોતી નથી. પાર્ટી એ નિયત કરેલ ગાઈડ લાઈન અને શિસ્‍ત મુજબ જિલ્‍લા ભાજપ સંગઠન જેતે સમિતિના હોદ્દા માટે જે નામોનું સૂચન કરે તે પાલીકાના સત્તાધારી પક્ષ ભાજપ ના તમામ સદસ્‍યો એ માન્‍ય રાખી ઠરાવ પાસ કરવાનો હોય છે. 

આ સ્‍થિતિ વચ્‍ચે કેટલીક ' ક્રીમ ' મનાતી કમિટીઓ માં સ્‍થાન મેળવવા માટે રાજકીય રીતે મજબૂત કદ ધરાવતા સદસ્‍યો વચ્‍ચે આંતરિક રીતે સ્‍પર્ધા (ખેંચતાણ) ચાલી રહેલ હોય, સૌ પોતપોતાની ક્ષમતા મુજબ ઉચ્‍ચકક્ષાએ ખાનગીમાં ભલામણો કરી રહેલ હોવાનું રાજકીય વર્તુળોમા ચર્ચાઈ રહેલ છે. 

(11:05 AM IST)