<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ભાવનગરના દાઠામાં મેઘાણી સ્‍મૃતિની સ્‍થાપના થશેઃ ઐતિહાસિક શાળામાં પ્રતિમા, સાહિત્‍ય કોર્નર અને પ્રદર્શન ઊભું કરાશે

રાષ્ટ્રીય શાયરે અભ્‍યાસ કરેલી દાઠા કેન્‍દ્રવર્તી શાળામાં મેઘાણી સર્કિટ અંતર્ગત વિકાસઃ પૌત્ર પિનાકી મેઘાણીએ ભાવનગરના અધિકારીઓ સાથે મુલાકાત કરી

રાજકોટ,તા.૨૭: મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરૂદથી નવાજ્‍યા તેવા ઝવેરચંદ મેઘાણીએ ભાવનગર જિલ્‍લાના તળાજા તાલુકાના દાઠા સ્‍થિત હાલની શ્રી દાઠા કેન્‍દ્રવર્તી શાળા અને તે સમયની સરકારી તાલુકા શાળામાં અભ્‍યાસ કર્યો હતો. આ ઐતિહાસિક શાળામાં હવે ‘મેઘાણી સ્‍મૃતિ'ની સ્‍થાપના કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત આ સ્‍થળનો સુયોગ્‍ય વિકાસ કરાશે. 

મેઘાણી સ્‍મૃતિ અંતર્ગત શાળામાં મનોરમ્‍ય મેઘાણી-પ્રતિમા, મેઘાણી-સાહિત્‍ય કોર્નર, મેઘાણી-તક્‍તી અને ચિત્ર પ્રદર્શનની સ્‍થાપના કરાશે. 6x3x1 ફૂટના આકર્ષક કાચના કબાટમાં ઝવેરચંદ મેઘાણી કૃત વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્‍તકો સાથે સાહિત્‍ય કોર્નર બનશે. ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્‍તાક્ષર અને ઈતિહાસને આલેખતી 4.5x3.5 ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્‍મક મેઘાણી-તક્‍તી મૂકવામાં આવશે. 

આ સમગ્ર પરિકલ્‍પના-આલેખન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીનું છે. આર્થિક સહયોગ પヘમિ ગુજરાત વીજ કંપની લિ. આપશે. શિલ્‍પ-સ્‍થાપત્‍ય ખ્‍યાતનામ શિલ્‍પકારો મયુરભાઈ વાકાણી ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના સુંદરલાલ, આનંદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી કરશે. મેઘાણી-સાહિત્‍ય કોર્નર, તક્‍તી અને પ્રદર્શનનું નિર્માણ વાલજીભાઈ પિત્રોડા કરશે. વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુએ આ કાર્યને શુભાશિષ આપ્‍યા છે. 

પિનાકી મેઘાણીએ ભાવનગર ખાતે જિલ્‍લા કલેક્‍ટર ડો. મનિષકુમાર બંસલ, ભાવનગર રેન્‍જ આઈજી રાજેન્‍દ્રકુમાર અસારી, જિલ્‍લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી તથા જિલ્‍લા શિક્ષણાધિકારી હિતેન્‍દ્રસિહ પઢેરીયા સાથે મુલાકાત કરી વિસ્‍તૃત વિચાર-વિમર્શ કર્યો. તેમણે આ ઐતિહાસિક શાળાનું નામકરણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં થાય તેવી વિનંતી કરી. શિલ્‍પકારો મયુરભાઈ વાકાણી અને આનંદભાઈ ટીકે સાથે મેઘાણી-પ્રતિમા અંગે ચર્ચા કરી. દાઠાના અગ્રણી પાર્થરાજાસિહ સરવૈયા અને શાળાના આચાર્ય ભૂપતભાઈ ધાંધલ્‍યા ઉપસ્‍થિત રહ્યા હતા. પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિહ રાઠોડ અને જૈન અગ્રણી જતીનભાઈ ઘીયાએ દાઠાની મુલાકાત પણ લીધી.   ઉલ્‍લેખનીય છે કે ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્‍સી પોલીસમાં ફોજદાર હતા. બદલીના કારણે ઝવેરચંદ મેઘાણીએ વિવિધ શાળાઓમાં અભ્‍યાસ કર્યો. રાજકોટની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૦૮, લાખાપાદરની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા અને બગસરાની પીએમ શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શાળા નંબર ૦૧નું પણ અગાઉ નામકરણ કરી ત્‍યાં મેઘાણી સ્‍મૃતિની સ્‍થાપના કરાઈ છે. 

આ ઐતિહાસિક સ્‍મૃતિ-સ્‍થળની મુલાકાતથી નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કૃતિ-સાહિત્‍યની વિરાસતથી પરિચિત-પ્રેરિત થશે અને રાષ્ટ્ર-ભાવના તથા જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિચન થશે તેવી શ્રદ્ધા સૌએ વ્‍યક્‍ત કરી હતી.(૪૦.૨૮)

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, મો.૯૮૨૫૦૨૧૨૭૯

(11:25 AM IST)