તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કાચું સોનુ વરસાવ્યું: આંગણવાડીથી લઈ શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું
સાંજ સુધીમાં જિલ્લામાં ધીમીધારે ઝાપટાથી લઇ અડધાથી દોઢ ઇંચ વરસાદ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદના ઝાપટા થી લઈ અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં ખેતીને અનુરૂપ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાય છે. દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે આજે ભાવનગર જિલ્લામાં આંગણવાડીથી લઈ શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું.
ભાવનગર જિલ્લામાં આજે દિવસ દરમિયાન વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળામાં સમગ્ર જિલ્લામાં સરેરાશ ૧૪.૬ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ વર્તમાન મોસમનો જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૩૨૫.૯ મિમી સુધી પહોંચ્યો છે.
આજના દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ ગારિયાધાર તાલુકામાં નોંધાયો હતો, જ્યાં દિવસ દરમિયાન ૩૮ મિમી વરસાદ પડ્યો હતો. સિહોર તાલુકામાં ૩૩ મિમી વરસાદ , પાલીતાણા માં ૨૧ મિમી, વલ્લભીપુરમાં ૧૩ મિમી, જેસરમાં ૧૨ મિમી , ઉમરાળામાં ૮ મિમી, ભાવનગર શહેર માં ૭ મિમી, તળાજામાં ૬ મિમી, મહુવામાં ૫ મિમી અને ઘોઘા તાલુકામાં ૩ મિમી વરસાદ નોંધાયો છે.
ચાલુ સિઝનના કુલ વરસાદની સરખામણી કરવામાં આવે તો મહુવા તાલુકો જિલ્લામાં સૌથી આગળ છે. મહુવામાં અત્યાર સુધીમાં કુલ ૪૬૨ મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારબાદ ભાવનગર તાલુકામાં ૩૬૯ મિમી, સિહોરમાં ૩૫૨ મિમી, ઘોઘામાં ૩૪૯ મિમી અને ગારિયાધારમાં ૩૩૯ મિમી કુલ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે આંગણવાડી થી લઈ શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
