તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
અમરેલીના સાવરકુંડલા પંથક અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી :પીપરડીની નેર નદીમાં નવા નીર
લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન:સમગ્ર પંથકના વાતાવરણમાં અચાનક પલટો:અસહ્ય ગરમીથી રાહત મળતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથક અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અસહ્ય ગરમીથી રાહત મળતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, પાડોશી વિસ્તાર એવા જેસર તાલુકામાં આજે વહેલી સવારથી જ આકાશ કાળોડિબંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેસર પંથકમાં થયેલા આ ભારે વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ઉપરવાસમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. ઉપરવાસના આ પ્રવાહને કારણે સાવરકુંડલાના પીપરડી ગામની સ્થાનિક 'નેર નદી'માં વ્યાપક પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે.
ઉપરવાસના ભારે પાણીના કારણે પીપરડીની નેર નદી જાણે બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં ચાલુ ચોમાસાની સિઝનનું આ પ્રથમ પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નદીના ધસમસતા પ્રવાહ અને ઘોડાપૂરના આ સુંદર દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ખૂબ ઉત્સાહથી નિહાળી રહ્યા છે.
માત્ર નેર નદી જ નહીં, પરંતુ સાવરકુંડલા અને તેની આસપાસ આવેલા હિપાવડલી, ઠવી, વીરડી તેમજ ભમોદ્રા સહિતના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. આ વરસાદી માહોલના પગલે લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીઓમાં પાણી આવતા આગામી સમયમાં કૂવા અને બોરના તળ ઊંચા આવશે તેવી આશાએ ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
