<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : :અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છના રાપરમાં વરસાદી માહોલ જામ્યો

ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી:ખેડૂતોમાં વરસાદને લઈને ખુશી

અષાઢી બીજના પવિત્ર પર્વે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને વરસાદથી મોટી રાહત મળી છે. ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખાસ કરીને ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

લોકવાયકા મુજબ અષાઢી બીજના દિવસે પડતો વરસાદ ખેડૂતો માટે શુકનવંતો માનવામાં આવે છે. આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ જાણે અષાઢી બીજનું મુહૂર્ત સાચવી રાખ્યું હોય તેમ વરસાદ વરસાવ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા છે.

 

અમરેલી શહેર અને જિલ્લામાં પણ હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. અસહ્ય બફારા બાદ અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. અમરેલી જિલ્લાના વડીયા, વડેરા અને રંગપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત બગસરા પંથકમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

 

 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. સમયસર વરસાદ મળવાથી ખેતીના પાકને ફાયદો થશે તેવી ખેડૂતોને આશા છે.

 

સૌરાષ્ટ્રની સાથે કચ્છના રાપર વિસ્તારમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી. રાપરમાં સવારથી જ સતત વરસાદી ઝાપટાં પડતાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાપર શહેરના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. આમ, અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસેલા વરસાદે ખેડૂતો સહિત સામાન્ય લોકોના ચહેરા પર ખુશી લાવી છે.

(7:46 PM IST)