News of Friday, 24th July 2026
ધ્રોલમાં મેઘરાજાની મેગા એન્ટ્રીઃ લાંબા વિરામ બાદ ધમાકેદાર આગમનથી ખેડૂતોમાં હરખની હેલી
આખી રાત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદઃ ધ્રોલમાં ૨.૫ ઈંચ અને જોડિયામાં ૨ ઈંચ વરસાદ નોંધાયોઃ પાકને જીવતદાન મળ્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૪: લાંબા સમયના આતુરતાપૂર્વકના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધ્રોલ અને આસપાસના પંથકમાં પોતાની પોતિકી શૈલીમાં ધમાકેદાર 'મેગા એન્ટ્રી' કરી છે. વરસાદ ખેંચાતાં ચિતાતુર બનેલા અન્નદાતા માટે આ મેઘમહેર સંજીવની સમાન સાબિત થઈ છે. ગત રાત્રિ દરમિયાન શરૂ થયેલા સાર્વત્રિક વરસાદથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, ગત રાત્રિના ૧૨ વાગ્યાથી આજે સવારના ૬ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકના ટૂંકા સમયગાળામાં ધ્રોલમા ૬૩ મીમી (આશરે ૨.૫ ઈંચ) અને પડોશી તાલુકા જોડિયામાં ૫૦ મીમી (આશરે ૨ ઈંચ) જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
લાંબા વિરામ બાદ મેઘરાજાના શ્રીગણેશ થતાં જ સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. કપાસ, મગફળી અને તલ જેવા વાવેતર કરેલા પાકો માટે આ વરસાદ અતિ કિમતી સાબિત થશે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
