<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

જાફરાબાદ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ:પૂર જેવી સ્થિતિ સર્જાઈ:રાયડી નદીમાં અચાનક ઘોડાપૂર

નદીના તોફાની પાણી કાંઠો વટાવી નાગેશ્રી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા:શેરીઓ, રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાયા:અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદના નાગેશ્રી ગામની સ્થાનિક રાયડી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે અચાનક ઘોડાપૂર આવ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

નાગેશ્રી ગામ નજીકથી પસાર થતી રાયડી નદી અત્યારે બંને કાંઠે હિલ્લોળા લઈ રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ એટલો ધસમસતો અને તીવ્ર છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. નદીના તોફાની પાણી કાંઠો વટાવીને નાગેશ્રી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે. શેરીઓ, રસ્તાઓ અને ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને ઘરવખરી અને માલસામાન બચાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માત્ર રાયડી નદી જ નહીં, પરંતુ અમરેલી જિલ્લાની મોટાભાગની નદીઓ, નાળા અને ચેકડેમો અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યા છે. નદીઓમાં આવેલા પૂરના કારણે આસપાસના વાડી-ખેતરો ધોવાઈ ગયા છે, જેનાથી ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની આશંકા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. જો વરસાદનું જોર આવું જ રહ્યું, તો અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી શકે છે. ગ્રામજનો અત્યારે પૂરના પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે.

(8:06 PM IST)