તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
અમરેલીમાં મેઘમહેર બની આફત: રાજુલા-જાફરાબાદના ડેમ ઓવરફ્લો, ગામડાઓ સંપર્કવિહોણા બન્યા
૯ ઈંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મેદાનમાં ઉતરી બચાવ કામગીરી શરૂ કરી

અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિએ જનજીવન ઠપ્પ કરી દીધું છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડાતુર બની છે અને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાફરાબાદના ધારાબંદર ગામની ચારે તરફ પાણી ફરી વળતા ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું બન્યું છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. તેમણે લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. આ ઉપરાંત, રાજુલાના ચૌત્રા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા સંપર્ક તૂટ્યો છે, જ્યારે પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર પાણી ભરાતા નાના વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે રાજુલાનો ધાતરવડી-૨ ડેમ ઓવરફ્લો થતા તેના ૨૦ દરવાજા ૦.૯૦ મીટર ખોલી ૫૨,૨૨૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ સાથે ધાતરવડી-૧ ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ખાખબાઈ, રાજુલા, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા-૨ અને લોઠપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ખાંભાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થતા તેના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે.
સાવરકુંડલાના ગિણિયામાં દીવાલ ધરાશાયી થતા એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજુલા-સાવરકુંડલા હાઈવે પર થોરડી બાયપાસ પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમને પણ સ્ટેન્ડબાય રાખી છે. તંત્ર દ્વારા નદી-નાળા અને વહેતા પાણીથી દૂર રહેવા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
