તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
ટંકારાના મેઘપર ઝાલા ડબલ મર્ડર કેસમાં હથિયાર બાઇક-મોબાઇલ કબ્જે : બંને આરોપી ભાઈઓ જેલહવાલે
જમીન માપણીના નજીવા વિવાદમાં કાકા-ભત્રીજાની છરી વડે હત્યા કરી હતીઃ પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૩: ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના નજીવી બાબતના વિવાદમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકીને કરવામાં આવેલી નિર્મમ હત્યાના મામલે ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં કડક કાર્યવાહી કરી છે. પોલીસે બંને હુમલાખોર સગા ભાઈઓની ધરપકડ કરી ગુના સંબંધી તમામ મહત્વના પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
ગત ૦૯ જૂન ૨૦૨૬ના રોજ બપોરે બનેલી આ ઘટના બાદ આરોપીઓ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને જોતા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને તેમની ટીમે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મુખ્ય આરોપી ભાઈઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રહે. મેઘપર ઝાલાને રાઉન્ડ-અપ કરી લીધા હતા.
અટકાયત બાદ ટંકારા પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરી ગુના કામે આરોપીઓની નિશાનદેહીના આધારે મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા. જેમાં ગુના આચરવા માટે ઉપયોગમાં લેવાયેલ તીક્ષ્ણ હથિયાર છરી, ઘટના સ્થળે આવવા અને ભાગી છૂટવા માટે વપરાયેલ મોટરસાયકલ, આરોપીઓના મોબાઇલ ફોન તથા ગુનાને પ્રસ્થાપિત કરતા અન્ય વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ થાય છે.
એકત્રિત કરાયેલા હથિયાર, બાઇક અને મોબાઇલ સહિતના મજબૂત પુરાવાઓ સાથે બંને આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કસ્ટડી દરમિયાન ગુનાની કડીઓ જોડી દીધી હોવાથી અને પ્રાથમિક તપાસ પૂર્ણ થતાં, નામદાર કોર્ટે બંને આરોપી ભાઈઓને જેલહવાલે એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ ફરમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના દીકરા હર્ષવર્ધનસિંહ ઉં.વ. ૨૨ અને ભાઈ જયપાલસિંહ ઉં.વ. ૪૦ની હત્યાના પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે કડક હાથે કામગીરી કરીને ગુનાના તમામ અંશ ઉકેલી કાઢયા છે અને આ કેસમાં આગળની કાયદાકીય તજવીજ ચાલુ રાખી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
