<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

મેઘરાજાનો સૌરાષ્ટ્ર પર પ્રહાર: અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

ત્રણ કલાકમાં પવનની ગતિ 61 કિ.મી. સુધી પહોંચવાની શક્યતા, સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ

રાજકોટ:હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરાયેલા લેટેસ્ટ નોટિફિકેશન મુજબ, આગામી ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની ચેતવણી આપવામાં આવી છે. આ પંથકમાં પવનની ગતિ 41 થી 61 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાબદા રહેવા સૂચના અપાઈ છે.

આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આજે પણ મેઘરાજા સૌરાષ્ટ્રના ધમરોળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી 5 થી 11 જુલાઈ સુધી રાજ્યના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભાવનગર અને પંચમહાલ સહિતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ખેડૂતો અને વાહનચાલકોને સાવચેતી રાખવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીને લઈને જરૂરી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આ આગાહી મુજબ, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિ માટે NDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને હવામાન વિભાગના સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.

(11:30 AM IST)