<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

હળવદમાં મધરાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ કડાકા સાથે ધોધમાર વરસાદ

દોઢથી બે વાગ્યા દરમિયાન વીજળીના ચમકારા; રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં

(દીપક જાની દ્વારા) હળવદઃ અહીં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે વીજળી અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ઊંઘી રહેલા લોકો જાગી ગયા હતા.

 

શહેરમાં રાત્રે દોઢથી બે વાગ્યાની આસપાસ અચાનક કાળા વાદળો ઘેરાયા બાદ ભારે વીજળીના ચમકારા અને કાન ફાડી નાખે તેવા કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર ઝાપટાંને કારણે શહેરના અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતાં.

વીજળીના સતત ચમકારા અને ભારે કડાકાને કારણે મીઠી નિંદર માણી રહેલા અનેક લોકો જાગી ગયા હતા. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક નીચાણવાળા રસ્તાઓ ઉપર પાણી ભરાતાં વહેલી સવારે વાહનવ્યવહારને અસર થઈ હતી.

 

હળવદ સહિત મોરબી જિલ્લામાં આજે પણ હળવોથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળે ગાજવીજ અને વીજળીની શક્યતા દર્શાવવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. વીજળી દરમિયાન ખુલ્લા મેદાન, વીજથાંભલા અને વૃક્ષ નીચે ઊભા ન રહેવા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

(9:37 AM IST)