તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
રાજકોટ જિલ્લાના વિછીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પીપરડી અને અમરાપુર ગામો પાણી-પાણી થતાં નદી-નાળા છલકાયા
ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ મુશળધાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાયા, વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ

રાજકોટ:સૌરાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, ત્યારે રાજકોટ જિલ્લાના વિછીયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. વિછીયા શહેર સહિત સમગ્ર પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ ખાબકેલા આ વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
બીજી તરફ, આ મુશળધાર વરસાદને પગલે વિછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પીપરડી અને અમરાપુર ગામોમાં આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગામના રસ્તાઓ, શેરીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગામના સ્થાનિક વોંકળાઓ અને નદી-નાળામાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને પાણી ફરી વળ્યા હતા. ટૂંકા સમયમાં ભારે વરસાદ ખાબકતા વાહનવ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી હતી.
આ ધોધમાર વરસાદ ગ્રામીણ અર્થતંત્ર અને ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. વાવણીના ટાણે જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. પીપરડી, અમરાપુર અને આજુબાજુના સીમ વિસ્તારોના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જે આગામી પાક માટે ખૂબ જ ગુણકારી નીવડશે. આ ઉત્તમ વરસાદને પગલે ધરતીપુત્રો હવે જોરશોરથી વાવણીના કાર્યમાં જોતરાઈ ગયા છે અને ચારેય તરફ ખુશીનો માહોલ વ્યાપી ગયો છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
