તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
માનવીય સંવેદનાનો સંદેશઃ પૂ. મોરારીબાપુ દ્વારા દેશભરની વિવિધ દુર્ઘટનાઓના ૪૫ મૃતકોના પરિવારજનોને રૂ. ૬.૭૫ લાખની સહાય જાહેર
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને ૧૫-૧૫ હજારની અપાશે આર્થિક મદદઃ તલગાજરડા ચિત્રકુટધામ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ અથવા સીધા માધ્યમથી રકમ પહોંચાડવામાં આવશે

તલગાજરડા તા.૧૧: રાજ્ય અને દેશમાં બનતી વિવિધ આકસ્મિક દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓ પ્રત્યે પૂ. મોરારીબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રામકથાના માધ્યમથી સનાતન મૂલ્યો અને માનવીય સંવેદનાનો સંદેશ ફેલાવતા પૂ. મોરારીબાપુએ છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા ૪૫ વ્યક્તિઓના શોકતપ્ત પરિવારજનોને કુલ રૂપિયા ૬,૭૫,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી છે.
પૂ. મોરારીબાપુ દ્વારા જાહેર કરવામાં આવેલી આ સંવેદના સહાયમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં બનેલી ઘટનાઓનો સમાવેશ થાય છે. જેમાં મધ્યપ્રદેશના સ્યોપુરના એક પરિવારની ગાડી રાજસ્થાનના કોટા પાસે સળગી જતાં જીવ ગુમાવનાર ૫ વ્યક્તિઓ, ઉત્તરપ્રદેશના બલિયામાં ગંગા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા ૪ વ્યક્તિઓ અને ઉત્તરપ્રદેશમાં આવેલા તોફાની વરસાદને કારણે જીવ ગુમાવનાર ૨૩ વ્યક્તિઓના પરિવારોને મદદ કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુમાં નાળાના સમારકામ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા ૩ શ્રમિકોના પરિવારોને પણ સહાય અપાશે.
ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો, રાજકોટના આજી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા ૪ વ્યક્તિઓ અને પંચમહાલના હાલોલ પાસે દેવ જળાશયમાં ડૂબી ગયેલા ૨ વ્યક્તિઓના પરિવારોને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવશે. ભાવનગરથી સોમનાથ જતી બસ પલટી જતાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨ મુસાફરો તેમજ રાજકોટ-ગોંડલ માર્ગ પર લૌકિક ક્રિયા માટે જઈ રહેલા થાનગઢના પરિવારના અકસ્માતમાં અવસાન પામેલા ૨ સભ્યોના પરિવારોને પણ પૂ. બાપુ દ્વારા ૧૫-૧૫ હજારની સહાય પહોંચાડવામાં આવશે.
શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા આ સંવેદના સહાયની રકમ જે-તે પરિવારને સીધી રીતે અથવા જે-તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળ (CM Relief Fund) દ્વારા મોકલવામાં આવશે. પૂ. મોરારીબાપુ હંમેશા રામકથાના વ્યાસપીઠ પરથી પીડિતોની સેવા અને માનવતાનો સંદેશ આપતા રહ્યા છે, જેનો આ એક જીવંત પુરાવો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
