<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

જામનગર ક્રિકેટમાં એકતા અને વિકાસનો સંદેશ: રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસીએશનનો સ્પષ્ટ ખુલાસો

"સંસ્થાનો ફોકસ માત્ર ક્રિકેટના વિકાસ પર, વ્યક્તિગત નિવેદનો સાથે કોઈ સંબંધ નથી": પ્રમુખ હિતેષ ભટ્ટ, SCA માન્યતા પ્રાપ્ત સંસ્થાને ચિરાગ પાઠકનું સમર્થન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ :  જામનગરમાં ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસીએશન (RDCWAJ) દ્વારા જાહેર સ્પષ્ટતા કરવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી વ્યક્તિગત બયાનબાજી સાથે સંસ્થાનો કોઈ સંબંધ નથી અને સંસ્થાનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટનો વિકાસ તથા ખેલાડીઓના હિતોની રક્ષા કરવાનો છે.

સંસ્થાના પ્રમુખ હિતેષ ભટ્ટ સહિત હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની સહમતીથી જાહેર કરાયેલી અખબારી યાદીમાં સ્પષ્ટ કરાયું છે કે સહદેવસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવતા નિવેદનો તેમના વ્યક્તિગત અભિપ્રાયો છે અને તેને સંસ્થાના સત્તાવાર મત તરીકે જોવામાં ન આવે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસીએશનને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (SCA) તરફથી માન્યતા પ્રાપ્ત છે. સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના ક્રિકેટરોને વિવિધ સ્પર્ધાઓ અને ટુર્નામેન્ટોમાં ભાગ લેવા માટે તક આપવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લાના ક્રિકેટરોને આગળ વધવાની વધુ તકો મળી રહી છે.

પ્રમુખ હિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે સંસ્થાનો ફોકસ માત્ર ક્રિકેટ રમતના વિકાસ, ખેલાડીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને રમતગમતનું સકારાત્મક વાતાવરણ જાળવવા પર છે.

ભૂતપૂર્વ રણજી ક્રિકેટર ચિરાગ પાઠકે પણ સંસ્થાના પ્રયાસોને સમર્થન આપતાં જણાવ્યું કે જામનગરમાં ક્રિકેટના વિકાસ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે. સંસ્થાએ અફવાઓ અને વિવાદોથી દૂર રહી ક્રિકેટના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવાની અપીલ પણ કરી છે.

(1:07 PM IST)