<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ચૈત્રી દનૈયા જોતા આ વર્ષના ચોમાસાના મિશ્ર સંકેતોઃ અખાત્રીજ પર વાયુ અને વાદળો જોવાનું મહત્‍વઃ કિશોર ભાડજા

પ્રારંભિક બે દનૈયા નબળા રહ્યા, ત્‍યારબાદ સાત દનૈયા સારા સંકેતો મળ્‍યા, પરંતુ ત્‍યાર પછીનો એક દનૈયો નબળો, આઠમો દનૈયો સારો અને ચૌદસનો દનૈયો ફરી નબળો રહ્યો : અખાત્રીજ આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારે સવારના ૧૦:૫૧ મિનિટથી શરૂ થશે અને ૨૦ એપ્રિલ સવારના ૭:૨૯ મિનિટ સુધી રહેશે

ટંકારાઃ (જયેશ ભટાસણા દ્વારા) ચૈત્રી દનૈયા પછીના પરંપરાગત વરસાદી સંકેતો અનુસાર આ વર્ષે પૂરા ચોમાસા માટે મિશ્ર આગાહીઓ સામે આવી છે. ખગોળશાષના અભ્‍યાસુ કિશોર ભાડજાએ જણાવ્‍યું છે કે પ્રારંભિક બે દનૈયા નબળા રહ્યા, ત્‍યારબાદ સાત દનૈયા સારા સંકેતો મળ્‍યા, પરંતુ ત્‍યાર પછીનો એક દનૈયો નબળો, આઠમો દનૈયો સારો અને ચૌદસનો દનૈયો ફરી નબળો રહ્યો. અમુક વિસ્‍તારોમાં પાછળના વરસાદની ખેંચના સંકેતો પણ જોવા મળ્‍યા છે. હવે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે રવિવારે  વાયુની દિશા અને અન્‍ય પરંપરાગત લોકવાયકાઓનું અવલોકન કરવાનું બાકી છે.

 આ અખાત્રીજ આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારે સવારના ૧૦:૫૧ મિનિટથી શરૂ થશે અને ૨૦ એપ્રિલ સવારના ૭:૨૯ મિનિટ સુધી રહેશે. આ દરમિયાન ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં અને મેષ રાશિમાં તથા સૂર્ય અશ્વિની નક્ષત્રમાં અને મેષ રાશિમાં હશે. આ દિવસને ‘સૂક્રવતો' કહેવામાં આવે છે.

 ગામડાઓમાં અખાત્રીજની વહેલી સવારે પવનની દિશા જોવાનો વિશેષ મહિમા છે.

 કિશોર ભાડજાએ જણાવ્‍યું કે...

પૂર્વનો વાયુઃ ઘાસ-ચારાની અછત અને અગ્નિ (દુષ્‍કાળ)ના સંકેત 

અગ્નિ કોણનો વાયુઃ દુષ્‍કાળ પડવાની શક્‍યતા 

 દક્ષિણનો વાયુઃ વર્ષ નબળું 

 નૈઋત્‍યનો વાયુઃ વર્ષ સારું 

 પヘમિનો વાયુઃ ખેત ઉત્‍પાદનમાં વધારો 

 વાયવ્‍યનો વાયુઃ ખૂબ સારો વરસાદ 

 ઉત્તરનો વાયુઃ વર્ષ સારું અને નદીઓમાં પાણી આવે 

 ઈશાનનો વાયુઃ તોફાની વરસાદની સંભાવના

 અખાત્રીજના દિવસે બપોરે ૧૨ વાગ્‍યે લાકડીના પડછાયાનું અવલોકન પણ કરવામાં આવે છે. તેમજ ચંદ્રના નક્ષત્ર અનુસાર પણ આગાહી કરવામાં આવે છે.

 જો કૃત્તિકા નક્ષત્ર હોય તો ‘કરૂંવરૂં', રોહિણી હોય તો સુકાળ અને મૃગશીર્ષ હોય તો દુષ્‍કાળના સંકેત મળે છે.

 કિશોર ભાડજાએ કહ્યું, ‘‘આ તમામ પરંપરાગત લોકવાયકાઓ અને અખાત્રીજના અવલોકન પરથી આ વર્ષના ચોમાસાનું અંદાજીત તારણ કાઢી શકાશે. ખેડૂતો અને ગ્રામીણ વિસ્‍તારોમાં આ પરંપરાઓ હજુ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.''

 ખેડૂતો હાલ અખાત્રીજના અંતિમ સંકેતોની રાહ જોઈ રહ્યા છે જે આગામી ચોમાસાની તીવ્રતા અને વિતરણ વિશે મોટી સૂચના આપી શકે છે.

(11:24 AM IST)