News of Saturday, 21st November 2026
જામનગર જિલ્લાના ૩૧ પ્રશ્નો ધારાસભ્ય રાઘવજી પટેલે કલેક્ટર સમક્ષ ઉઠાવ્યા: ખેડૂતો, પાણી, રસ્તા અને ગામડાંના વિકાસના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત
સુજલામ્-સુફલામ્, સિંચાઈ, પીવાનું પાણી, રસ્તા, બસ સુવિધા સહિતના પ્રશ્નો અંગે અધિકારીઓને સ્થળ પર જઈ કાર્યવાહી કરવા સૂચના આપવા માંગ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ :જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને લોકોની સુખાકારીને લગતા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે હેતુથી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં જામનગર તાલુકાના વિવિધ ગામોના ૩૧ જેટલા પ્રશ્નો રજૂ કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું.
તા. ૨૧ નવેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં સિંચાઈ, પીવાના પાણી, રસ્તા, વીજળી, બસ સુવિધા, આરોગ્ય અને જમીનને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે.
રજૂઆતમાં આમરા ગામે વિજય હનુમાનજી મંદિર પાછળની ખાળ સાફ કરાવવા, મોટી ભાણવડ ગામે ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ કરવા તેમજ માહીરપરાથી કેનાલ સુધીના ૬૦૦ મીટરના રસ્તાનું કામ પૂર્ણ કરવા માંગ કરવામાં આવી હતી. સથવારા ગામે જોબનદાસર વાયા સથવારા બસ રૂટ નિયમિત ચાલુ રાખવા પણ રજૂઆત કરાઈ હતી.
આ ઉપરાંત વીજ કંપની દ્વારા ખેડૂતોને ખેતીવાડીના વીજ જોડાણ સમયસર આપવા, ઘ્રોલ તાલુકાના જડવા ગામે વીજળીના વારંવાર થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી.
ગામડાંના આરોગ્ય અને સુવિધાઓ અંગે સથવારા ગામના હેલ્થ સબ સેન્ટરમાં ફરજિયાત હાજરી અને નિયમિત સેવા મળે, ગોપાણા ગામે પ્રાથમિક શાળાના મકાન માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. જમીન વિભાગના પ્રશ્નોમાં મોટી ભલસાણ ગામે સરકારી ખરાબાની જમીનમાંથી ગામતળ વધારવા અને જરૂરિયાતમંદ પરિવારોને રહેઠાણ માટે પ્લોટ ફાળવવા રજૂઆત કરાઈ હતી.
ખેડૂતો અને પશુપાલકોને લગતા પ્રશ્નોમાં હડમતિયા ગામે પશુ દવાખાનાનું કામ ઝડપથી શરૂ કરાવવા, ધ્રોલ તાલુકાના પીપળવાળા તળાવના મરામત કામ માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ ખેડૂતોને જમીનના હક્ક અને માપણીના પ્રશ્નોમાં ન્યાય મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
પીવાના પાણીની સમસ્યાને લઈને ધ્રુવશિયા, સથવારા, જોડિયા અને અન્ય ગામોમાં પાણીની અછત દૂર કરવા, પાણી વિતરણની વ્યવસ્થા સુધારવા અને જરૂરી સ્થળોએ મોટર-પાઇપલાઇનની કામગીરી તાત્કાલિક હાથ ધરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર તાલુકાના વિવિધ ગામોને જોડતા બસ રૂટ નિયમિત ચલાવવા પણ ભાર મૂકાયો હતો.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રજૂ કરેલા આ તમામ પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર જઈ હકારાત્મક ઉકેલ લાવવા અને બાકી રહેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવા રજૂઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી વિકાસનાં કામો ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરવામાં આવી હતી.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
