<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

કચ્છમાં ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાનો ઘેરાવ :ભાષણ અટકાવી રોડ,ગટર એની ખેડૂતોના પ્રશ્ને ઉધડ઼ા લીધા

ગ્રામજનોએ રોડ, ગટર, ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક કંપનીઓમાં યુવાનોને બ્લેકલિસ્ટ કરવા મુદ્દે વિરોધ કર્યો :'ફોન કેમ નથી ઉપડતા?' તેમ કહી લોકોએ જવાબ માંગ્યો

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામે આયોજિત એક સરકારી કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. અંજાર વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ સ્થાનિક ગ્રામજનોએ તેમનો ઉગ્ર વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.

લોકોએ ધારાસભ્યને સીધા સવાલો પૂછીને તેમનો ઉધડો લીધો હતો, જેના કારણે કાર્યક્રમમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

મીઠા પસવારિયા ગામના લોકોએ ધારાસભ્ય સામે રોડ, ગટર અને પાણી જેવી અન્ય પાયાની સુવિધાઓના પ્રશ્નો રજૂ કર્યા હતા. લોકોનો આરોપ છે કે ચૂંટણી જીત્યા બાદ ગામમાં ધારાસભ્ય દ્વારા કોઈ ખાસ વિકાસ કામો કરવામાં આવ્યા નથી. જ્યારે ગ્રામજનો મુશ્કેલીના સમયે ધારાસભ્યને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમના ફોન પણ ઉપાડવામાં આવતા નથી. લોકોએ સ્ટેજ નજીક જઈને ધારાસભ્ય પાસે અત્યાર સુધી થયેલા કામોનો હિસાબ અને જવાબ માંગ્યો હતો.

આ હોબાળા દરમિયાન સ્થાનિક વિસ્તારોમાં આવેલી ઔદ્યોગિક કંપનીઓનો મુદ્દો પણ જોરશોરથી ઉઠ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાને બદલે અગમ્ય કારણોસર બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે બેરોજગારી વધી રહી છે. આ ઉપરાંત, ગામના તલાટી અને અન્ય સરકારી કચેરીઓની ઢીલી કામગીરી તેમજ ભ્રષ્ટાચાર અંગે પણ લોકોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

કચ્છના આ ગ્રામીણ વિસ્તારમાં ખેતી મુખ્ય વ્યવસાય હોવાથી ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. ખેડૂતોને પડતી સિંચાઈ અને વીજળીની મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ધારાસભ્ય સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જનતાના આ આક્રોશ સામે ધારાસભ્ય અને તેમની ટીમ બચાવ મુદ્રામાં આવી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અત્યારે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(12:21 AM IST)